લોકભાષા-ભુજ :
કચ્છના લખપત તાલુકામાં આવેલી જીએમડીસી લિગ્નાઇટ ખાણમાં દક્ષિણ ભારતીય તેલુગુ ફિલ્મ ‘આકાસમ લો ઓકા તારા’નું શૂટિંગ શુક્રવારથી શરૂ થયું છે. ડાયરેક્ટર પવન સદિનેનીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા દુલકર સલમાન અને અભિનેત્રી રોહિણી શર્મા મુખ્ય ભૂમિકામાં છે.
લિગ્નાઈટ ખાણના જનરલ મેનેજર નાગેન્દ્રભાઇના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં પ્રથમ વખત તેલુગુ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે, જે બે-ત્રણ દિવસ સુધી ચાલશે. ફિલ્મની ટીમ મોટી સંખ્યામાં વાહનો સાથે સ્થળ પર પહોંચી છે અને માઈન્સ વિસ્તારમાં અલગ-અલગ લોકેશન્સ પર મોડી સાંજ સુધી શૂટિંગ કરી રહી છે.
લકી ભાસ્કર’ અને ‘સીતા રામમ’ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા દુલકર સલમાનની આ નવી ફિલ્મ માટે ઉમરસર લિગ્નાઇટ ખાણની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને પસંદ કરવામાં આવી છે. આ શૂટિંગથી કચ્છની આ ખાણ દક્ષિણ ભારતીય સિનેમા જગતમાં પણ ચર્ચાનો વિષય બનશે. ઉલ્લેખનીય છે કે સાઉથની સુપરહિટ ફિલ્મ કેજીએફ પણ કોલ આધારિત હતી.

