લોકભાષા-ગાંધીધામ :
“સરહદ ડેરી” ની 17મી વાર્ષિક સાધારણ સભા તેમજ મિલ્ક ડે કાર્યક્રમ દરમિયાન સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા તારીખ 16.10.2026 થી દૂધના ભાવ પ્રતિ કિલો ફેટે 850 રૂપિયા કરવાનું વચન આપ્યું હતું. જે વચનનું પાલન પણ કરવામાં આવ્યું છે. અને પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 850 રૂપિયા તારીખ 16.10.2026 થી મળતા થઈ જશે. આ ભાવ સરહદ ડેરી ના ઇતિહાસમાં ઐતિહાસિક છે જે મહત્તમ ભાવ છે.
આ નિર્ણયથી પશુપાલકો ને દર મહિને 1 કરોડ રૂપિયા વધુ મળશે જ્યારે વાર્ષિક 12 કરોડ રૂપિયા વધારે મળશે. કચ્છ જીલ્લાના પશુપાલકો સરહદ ડેરીમાં દૂધ આપીને સારી એવી આવક મેળવી રહ્યા છે. દૂધ ઉત્પાદકો દૂધના વ્યવસાય થકી આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે માટે સરહદ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. તેમજ તમામ મંડળી સંચાલકોને આગામી તારીખ 16.10.2026 થી દૂધના ભાવો કોમ્પ્યુટરમાં અપડેટ કરવા તેમજ પશુપાલકોએ નવા ભાવોની દૂધના મેસેજમાં ખરાઈ કરવા માટે વલમજી હુંબલે એક યાદીમાં જણાવ્યુ હતું.
ચાલુ વર્ષે ચોમાસાની કપરી પરિસ્થિતીમાં પશુપાલકોને દૂધના વધુ ભાવો મળશે અને આર્થિક રીતે સધ્ધરતા પણ વધશે આ સાથે ચોમાસાની સિઝનમાં ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે પશુપાલકોને પૌષ્ટિક ઘાસચારાની તંગી સર્જાઈ છે જેને ધ્યાને લઈ અને ભાવ વધારો કરવામાં આવેલ છે તેમજ તમામ સરહદ ડેરી દ્વારા બનાવવામાં આવતું ઉચ્ચ ગુણવત્તા વાળું તેમજ વ્યાજબી ભાવો વાળું સરહદ દાણ અને સાઇલેજ પશુને ખવડાવાનો આગ્રહ રાખીએ.


