લોકભાષા-ગાંધીનગર :
રાજ્યના શહેરી વિકાસને વધુ વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને લોકહિતકારી નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ, ગાંધીધામ સહિત રાજ્યની 9 નવી બનેલી મહાનગરપાલિકાઓને જાહેર સુવિધાઓના વિકાસ માટે સરકારી જમીન વિના મૂલ્યે ફાળવવામાં આવશે.
9 નવી મહાનગરપાલિકાઓને મળશે મોટી આર્થિક રાહત
રાજ્ય સરકારના આ નિર્ણયથી નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ મહાનગરપાલિકાઓને સીધો ફાયદો થશે. નવી રચાયેલી આ મહાનગરપાલિકાઓને માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે જમીન ખરીદવાના મોટા આર્થિક ભારણમાંથી મુક્તિ મળશે, જેના કારણે વિકાસના કામો ઝડપથી આગળ વધી શકશે.
સરકાર દ્વારા જમીન ફાળવણીના નિયમોમાં આગામી 5 વર્ષ માટે ખાસ છૂટછાટ આપવામાં આવી છે. આ જોગવાઈ હેઠળ 11 જેટલી પાયાની અને જાહેર સુવિધાઓ ઊભી કરવા માટે વિના મૂલ્યે જમીન મળી શકશે મહાનગર સેવા સદનની કચેરીઓ ફાયર સ્ટેશન, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના પ્રોજેક્ટ્સ, પમ્પિંગ સ્ટેશન, ટાઉન હોલ તથા અન્ય જાહેર સુવિધાના કેન્દ્રનો સમાવેશ થાય છે.
વહીવટી પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે એક હેક્ટર સુધીની સરકારી જમીન ફાળવવાની પ્રક્રિયા અત્યંત સરળ બનાવવામાં આવી છે. જોકે, એક હેક્ટરથી વધુ જમીનની જરૂરિયાત હોય અથવા ગૌચરની જમીન ફાળવવાની હોય તેવા કિસ્સાઓમાં રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી ફરજિયાત રાખવામાં આવી છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી આ 9 શહેરોના નાગરિકોને ટૂંક સમયમાં જ આધુનિક અને સુવિધાસભર શહેરી માળખું ઉપલબ્ધ થશે.
ગાંધીધામ સહિત રાજ્યની ૯ નવી મહાનગરપાલિકાઓને વિકાસકામો માટે સરકારી જમીન વિના મૂલ્યે ફાળવાશે
Related Posts
Add A Comment


