લોકભાષા-ભુજ :
ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા અને જનઆરોગ્ય રક્ષણ ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લામાં તંત્ર દ્વારા સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે માધાપર યક્ષના લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, કચ્છના ફૂડ સેફ્ટી ઓફિસર્સ એમ. એમ. પટેલની સંયુક્ત ટીમે અચાનક દરોડા પાડી વ્યાપક તપાસ હાથ ધરી હતી.
તંત્રની ટીમ દ્વારા મેળામાં આવેલા પકોડી (પાણીપૂરી) ના ગલ્લા, ચાર્ટ-દાબેલીના સ્ટોલ્સ, ચાઇનીઝ તથા અન્ય ફાસ્ટફૂડ અને ઠંડા પીણાંનું વેચાણ કરતી કુલ ૪૯ જેટલી પેઢીઓ અને લારી-ગલ્લાઓની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખાદ્યપદાર્થો બનાવવા માટે વપરાતી સામગ્રીની ગુણવત્તા અને રસોઈ ક્ષેત્રની સ્વચ્છતા ચકાસવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન માનવ વપરાશ માટે અયોગ્ય અને આરોગ્ય માટે જોખમી એવા ૧૭ કિલોગ્રામ બગડેલા બટાકા, અતિશય પ્રમાણમાં વપરાતો આશરે ૨ લીટર જેટલો સિન્થેટિક ફૂડ કલર (દ્રાવણ) તેમજ ખાદ્યપદાર્થો રાખવા કે પીરસવા માટે વપરાતો છાપાં/ન્યૂઝપેપરનો જથ્થો સ્થળ પર જ જપ્ત કરી તેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન અધિકારીઓએ સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને FSSAI ના હાઇજીન ધોરણોનું પાલન કરવા કડક તાકીદ કરી હતી.
છાપાની શાહીમાં રહેલા હાનિકારક કેમિકલ્સ અને લેડ (સીસું) ખોરાકમાં ભળવાથી કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ રહે છે. તેથી તળેલા પદાર્થોમાંથી તેલ સોષવા માટે કે તે પીરસવા માટે ન્યૂઝપેપરના બદલે ફૂડ-ગ્રેડ ટિશ્યૂ પેપર કે બટર પેપરનો જ ઉપયોગ કરવો.
ખોરાક બનાવતા અને પીરસતા તમામ કારીગરોએ માથા પર કેપ/ટોપી, હાથમાં ગ્લોવ્ઝ (મોજાં) અને સ્વચ્છ એપ્રોન પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. દુષિત પાણી, અતિશય કૃત્રિમ રંગો, અને વાસી/બગડેલા શાકભાજી કે ચટણીનો ઉપયોગ ન કરવા સખત ચેતવણી આપવામાં આવી છે. પાણીપૂરીના વેન્ડર્સને માત્ર આરોગ્યપ્રદ પાણી વાપરવા અને તમામ ખાદ્યપદાર્થોને ધૂળ-માખીઓથી બચાવવા યોગ્ય રીતે ઢાંકીને રાખવા સૂચના અપાઈ છે.


