લોકભાષા-ગાંધીધામ :
ભારતના અગ્રણી મેજર પોર્ટ પૈકીના એક, દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ મેરિટાઇમ સેક્ટરમાં ઓપરેશનલ એક્સેલન્સનો એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. કંડલા બંદરે માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં રેકોર્ડબ્રેક ૯,૬૩,૯૫૧ મેટ્રિક ટન કાર્ગોનું સફળતાપૂર્વક હેન્ડલિંગ કરીને ભારતીય બંદર ઇતિહાસમાં એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે.
આ ભવ્ય સિદ્ધિ સાથે દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ દેશની લોજિસ્ટિક્સ ક્ષમતા અને પોર્ટ આધારિત આર્થિક વિકાસને વેગ આપવામાં પોતાની સર્વોચ્ચતા સાબિત કરી છે.
આ સિંગલ-ડે હાઇએસ્ટ કાર્ગો હેન્ડલિંગનો અગાઉનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ કંડલા પોર્ટના નામે જ નોંધાયેલો હતો. ગત ૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પોર્ટે ૯,૦૩,૯૦૪ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કર્યો હતો. બંદર પ્રશાસને પોતાની જ કાર્યક્ષમતામાં ધરખમ સુધારો કરીને, માત્ર થોડા જ દિવસોમાં અગાઉના રેકોર્ડ કરતાં આશરે ૬૦,૦૦૦ મેટ્રિક ટન વધુ કાર્ગો હેન્ડલ કરી નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે.
ડીપીએ કંડલા માટે ચાલુ નાણાકીય વર્ષ રેકોર્ડ્સનું વર્ષ સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં જ ઓગસ્ટ ૨૦૨૬માં પોર્ટે તમામ સરકારી બંદરોમાં સૌથી ઝડપી ૭૦ મિલિયન મેટ્રિક ટનની ઐતિહાસિક લોડિંગ સપાટી વટાવી હતી. આ ઉપરાંત, શિપ-ટુ-શિપ ટ્રાન્સશિપમેન્ટ ઓપરેશન્સમાં પણ ૧૨.૭ મિલિયન ટનનો ઓલ-ટાઇમ હાઇ રેકોર્ડ નોંધાવ્યો છે, જે બંદરની વધતી વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે.
આ ઐતિહાસિક ક્ષણ અંગે ખુશી વ્યક્ત કરતા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના વહીવટી તંત્રે જણાવ્યું છે કે, “આ અસાધારણ સીમાચિહ્ન બંદરના અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મરીન ઓપરેશન્સના શ્રેષ્ઠ આયોજન અને ડિજિટાઈઝેશનના મજબૂત સમન્વયને આભારી છે. આ સિદ્ધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેરિટાઇમ અમૃત કાલ વિઝન’ અંતર્ગત ભારતને વૈશ્વિક મેરિટાઇમ હબ બનાવવાની દિશામાં મોટું કદમ છે.”
બંદર પ્રશાસને આ ઐતિહાસિક રેકોર્ડ બદલ તમામ અધિકારીઓ, શ્રમિકો, ટ્રેડ યુનિયન્સ, શિપિંગ એજન્ટ્સ અને સ્ટેકહોલ્ડર્સના અથાણ પ્રયાસો અને સામૂહિક સંકલન બદલ આભાર વ્યક્ત કર્યો છે.


