લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ પોલીસ તંત્રમાં વહીવટી સરળતા લાવવા અને કાયદો-વ્યવસ્થાની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા તાત્કાલિક અસરથી જિલ્લાના 6 પોલીસ ઇન્સ્પેક્ટર્સ (PI)ની આંતરિક બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે.
પોલીસ બેડામાં થયેલી આ બદલીઓમા દુધઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એન. બી. ડોડિયાની બદલી મહિલાઓ વિરુદ્ધના ગુના નિવારણ સેલમાં કરવામાં આવી છે. આર્થિક ગુના નિવારણ સેલના પીઆઈ જે.એમ. જાડેજાને હવે દુધઈ પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપાઈ છે. આદિપુરના પીઆઈ એમ.સી. વાળાની બદલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં કરવામાં આવી છે. લીવ રિઝર્વમાં રહેલા પીઆઈ એસ.એન. કરંગિયાને આદિપુર પોલીસ સ્ટેશનના નવા ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે ગાગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.જે. હુણની બદલી આર્થિક ગુના નિવારણ સેલમાં કરવામાં આવી છે. IUCAWમાં ફરજ બજાવતા પીઆઈ એમ.જી. સોલંકીને હવે ગાગોદર પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.


