લોકભાષા-ગાંધીધામ :
સમગ્ર કચ્છ જિલ્લા પર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં (સવારે ૬ થી સવારે ૬ વાગ્યા સુધીમાં) રાતભર અવિરત વરસેલા વરસાદને કારણે સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. ખાસ કરીને પૂર્વ કચ્છના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, જેમાં અંજારમાં સૌથી વધુ ૭ ઈંચ (૧૮૪ મીમી) વરસાદ ખાબક્યો છે. સાર્વત્રિક અને સારો વરસાદ વરસતા ધરતીપુત્રો સહિત સમગ્ર કચ્છમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પૂર્વ કચ્છમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ હતી રાત્રી દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ અને ભચાઉમાં વરસાદનું જોર સૌથી વધુ રહ્યું હતું. જિલ્લા કંટ્રોલ રૂમના સત્તાવાર આંકડા મુજબ, ગાંધીધામમાં ૧૧૭ મીમી (આશરે ૫ ઈંચ) અને ભચાઉમાં ૧૧૨ મીમી (આશરે ૫ ઈંચ) વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને ગ્રામ્ય પંથકોમાં પાણી ભરાઈ ગયા હતા.

મુન્દ્રા-ભુજ અને લખપતમાં પણ તોફાની બેટિંગ
પૂર્વ કચ્છ ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાએ ધમાકેદાર હાજરી પુરાવી છે. ઔદ્યોગિક નગરી મુન્દ્રામાં ૪ ઈંચ (૯૦ મીમી), જિલ્લા મથક ભુજમાં સાડા ૩ ઈંચ (૮૪ મીમી) અને સરહદી તાલુકા લખપતમાં ૩ ઈંચ (૭૭ મીમી) વરસાદ પડ્યો છે. આ સિવાય વાગડના રાપર અને નખત્રાણામાં પણ ૨-૨ ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જિલ્લાના અન્ય તમામ તાલુકાઓમાં પણ સરેરાશ ૨ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
તાલુકાવાર વરસાદના સત્તાવાર આંકડા (સવારે ૬ વાગ્યા સુધી)
જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા ૨૪ કલાકના વરસાદના આંકડા મુજબ અંજાર : ૧૮૪ મીમી (૭ ઈંચ) ગાંધીધામ : ૧૧૭ મીમી (૫ ઈંચ) ભચાઉ : ૧૧૨ મીમી (૫ ઈંચ) મુન્દ્રા : ૯૦ મીમી (૪ ઈંચ) ભુજ : ૮૪ મીમી (૩.૫ ઈંચ) લખપત : ૭૭ મીમી (૩ ઈંચ) રાપર : ૬૦ મીમી (૨.૪ ઈંચ) નખત્રાણા : ૬૦ મીમી (૨.૪ ઈંચ) અબડાસા : ૫૫ મીમી (૨.૧ ઈંચ) માંડવી : ૫૨ મીમી (૨ ઈંચ) મેઘરાજાની આ ધમાકેદાર ઈનિંગને પગલે કચ્છના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે અને લાંબા સમયની રાહ બાદ સારો વરસાદ થતાં લોકોમાં આનંદની હેલી જોવા મળી રહી છે.


