લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર દવેરાની કડક સૂચના બાદ ટેક્સ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. મહાનગરપાલિકાની ટેક્સ ટીમ દ્વારા કરોડો રૂપિયાના બાકી વેરા વસૂલવા માટે મિલકતો સીલ કરવાની આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને પગલે મોટા બાકીદારોને વેરો ભરી દેવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગાંધીધામ મહાનગરપાલિકાના મિલકત વેરા વિભાગ દ્વારા મોટા બાકીદારોને અગાઉ બિલ-નોટિસ તેમજ આખરી નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં કેટલાક મિલકતધારકોએ વેરો ભરવામાં ઉદાસીનતા દાખવી હતી. આ અંતર્ગત વોર્ડ-૯/બીએ માં આવેલા મિલકત / પ્લોટ નં. ૧૦૧૯ ના ધારકે રૂપિયા ૧૫,૨૬,૮૯૦નો મિલકત વેરો ચૂકવ્યો ન હતો. આથી નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ, આજે ટેક્સ વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને આ મિલકતને સીલ કરી દીધી છે.

ટેક્સ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ આવા મોટા બાકીદારો સામે ઝુંબેશ ચાલુ રહેશે. જે મિલકતધારકો પોતાના બાકી વેરા નહીં ચૂકવે, તેમની સામે મિલકત જપ્તી અને ટાંચમાં લઈને સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા તમામ બાકીદારોને વહેલી તકે વેરો જમા કરાવી દેવા તાકીદ કરવામાં આવી છે.


