લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળવા સાથે સંકુલની વિવિધ માળખાકીય સુવિધાઓની વૃધ્ધિ અને વિકાસ માટેના આગોતરા આયોજનના ભાગરૂપે સંકુલની અગ્રણી વેપાર ઉદ્યોગ સંસ્થા ગાંધીધામ ચેમ્બરે આદિપુર-કાસેઝ રીંગ રોડને ચાર માર્ગીય બનાવવા દિનદયાલ પોર્ટના ચેરમેન સુશીલ કુમાર સિંઘને પત્ર ધ્વારા રજુઆત કરી હતી.
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ ચેરમેનને લખેલા પત્રમાં તેમણે આ રીંગ રોડના નિર્માણમાં ડીપીએના પ્રદાનની સરાહના કરતા જણાવેલ કે, આ રીગ રોડ પોર્ટ અને કાસેઝ સુધીની સરળ અને નોંધપાત્ર કનેક્ટીવીટી પુરી પાડે છે તથા તેનાથી માત્ર ટાગોર રોડ પરના ભારે ટ્રાફિક્નો ભાર ઘટયો નથી પરંતુ સાથોસાથ આદિપુર, અંતરજાળ, કિડાણા અને નજીક્ના વિસ્તારોમાં આવેલી અનેક સોસાયટીના રહેવાસીઓને કનેક્ટીવીટીની મોટી સુવિધા મળી રહે છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, તુણા-ટેકરા ખાતે આકાર લઈ રહેલા કન્ટેનર ટર્મિનલ તથા સૂચિત શીપ બિલ્ડીંગ યાર્ડ જેવા આવનારા મોટા પ્રોજેક્ટોના નિકાસ સાથે સંકુલનો આ વિસ્તાર પણ ઝડપી વિકાસ પામી રહયો છે. તદઉપરાંત આ રીંગ રોડ મુન્દ્રા બંદર સાથે એક મહત્વપૂર્ણ જોડાણ તરીકે સેવા આપે છે, જેના કારણે ટ્રાફિકનું પ્રમાણ દિન-પ્રતિદિન સતત વધી રહયું છે તેથી આ અત્યંત મહત્વના રીંગ રોડને આગોતરા આયોજનરૂપે ચાર લેનમાં અપગ્રેડ કરવા ડીપીએ પ્રશાસનને વિનંતી કરવામાં આવેલ છે.
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ વધુ વિગતો પાઠવતા જણાવેલ કે, પોર્ટ અને કાસેઝ જેવા મહત્વપૂર્ણ સ્થળોને જોડતા આ રીંગ રોડ માટે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા અને ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીનો સહયોગ સાંપડતા ડીપીએ ધ્વારા આ રોડનું નિર્માણ કાર્ય હાથ ધરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ મહત્વના રોડ નિર્માણમાં ચેમ્બર તત્કાલિન પ્રમુખ તેજા કાનગડે ડીપીએ પ્રશાસન સાથે રહી સક્રિય સંકલન સાધ્યું હતું. સંકુલના માળખાકીય વિકાસમાં ડીપીએની હંમેશા સક્રિય ભૂમિકા રહી છે જેથી આ રોડને ચાર માર્ગીય કરવાથી ટ્રાફિક્નો પ્રવાહ સુગમ થશે, કનેક્ટીવીટી વધશે અને આવનારા મેગા પ્રોજેક્ટોના કારણે વધનારા ટ્રાફિક નિયમનમાં ઘણી સરળતા રહેશે, તેમ ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ આ અખબારી યાદીમાં જણાવ્યું હતું.

