લોકભાષા-ભુજ :
મુંદરા તાલુકાના ગુંદાલા ગામે રહેતા દંપતિએ પુત્રી સાથે વડાલા ભદ્રેશ્વર રેલ્વે ફાટક નજીક ટ્રેનની સામે જઇને આપઘાત કરી લીધો છે. જો કે, ચાર વર્ષની પુત્રી પાટા વચ્ચે ચતી પડી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. આ હ્રદય દ્રાવક વિચલિત કરી દેતી ઘટના સોમવારે રાત્રીના સાડા દસ વાગ્યાના અરસામાં બની હતી. ત્રણ ચાર ડબ્બા માથેથી પસાર થઇ ગયા બાદ ટ્રેન ઉભી રાખી રડતી બાળકીને બહાર કાઢી દંપતિના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડાયા બનાવને પગલે મૃતકના પરિવારજનો અને સગાસબંધી સહિતના લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
મુંદરા મરિન પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર નિર્મલસિંહ ડી.જાડેજાએ જણાવ્યું હતું કે, ગુંદાલા ગામે રહેતા બ્રીજેશભાઇ હસમુખગીરી ગોસ્વામી (ઉ.વ.25) અને તેમના પત્ની રંજનાબેન બ્રીજેશભાઇ ગોસ્વામી (ઉ.વ.24) તથા તેમની 4 વર્ષની પુત્રી જીલ ત્રણે જણાઓ ઝાયલો ગાડીથી સોમવારે રાત્રે વડાલા ભદ્રેશ્વર ફાટક પાસે આવી ગાડી પાર્ક કરીને ટ્રેનના પાટા પર 50 મીટર સુધી ચાલ્યા હતા. દરમિયાન સામેથી આવતી ટ્રેન આવી તેની નીચે આવી ગયા હતા. આ દરમિયાન પુત્રી જીલને ટ્રેનની ઠોકર વાગતાં પાટા વચ્ચે ચતી સુઇ ગઇ હતી. જ્યારે દંપતિ પર ટ્રેનના વ્હીલ ફરી વળ્યા હતા. ટ્રેન ચાલક ટ્રેન ઉભી રાખે તે દરમિયાન દંપતિનું કચડાઇ જવાથી મોત થયું હતું. જ્યારે જીલ પાટા વચ્ચે હોવાથી તે બચી ગઇ હતી. મરણજનાર બ્રીજેશભાઇ ગુંદાલા ગામે રહેતા માતા-પિતાથી અલગ ગામમાં જૈનનોના માતાજીના મંદિરમાં બહારથી આવતા લોકોને રૂમ ભાડે આપવાની નોકરી કરતા હતા. અને ત્યાં જ રહેતા હતા. હાલ આ દંપતિએ કયા કારણોસર આત્મઘાતી પગલું ભરી લીધું તે હજુ બહાર આવ્યું નથી પરંતુ પતિ પત્ની સાથે આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોય તેવું અનુમાન લાગી રહ્યું છે. જો કે, તેમના પરિવારજનોના નિવેદન લેવાના બાકી છે. પોલીસ તપાસ કરી રહી છે.
ગુંદાલાથી 15 કિલો મીટર વડાલા રેલ્વે ફાટક કારથી ગયા
ગુંદાલા ગામેથી અંદાજે 15 કિલો મીટર દુર વડાલા ભદ્રેશ્વર રેલ્વે ફાટક સુધી ઝાયલો ગાડીમાં દંપતિ રાત્રે ગયા ગાડી પાર્ક કરીને ટ્રેનના પાટા પર આત્મઘાતી પગલું ભરવાના ઇરાદે 50 મીટર સુધી પુત્રીને લઇને ત્રણ જણાઓ ચાલ્યા અદાણીની ટ્રેન સાથે ભટકાઇને મોત વહોર્યું હતું.
ચાર વર્ષની એકની એક માસુમ બાળકીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી
માતા-પિતાના ઇરાદાને સમજી ન શકી અને માતા પિતાની સાથે રહેલી પુત્રી જીલ રાતના અંધારામાં માતા પિતા સાથે ટ્રેનના પાટા પર ચાલતી હતી. ત્યાં ટ્રેનએ ત્રણેને અડફેટે લીધા જીલ પાટા પર ચતી પડી જતાં તે બચી ગઇ અને નજર સામે માતા પિતાનું મોત થયું હતું. એકની એક પુત્રીએ આ દુર્ઘટનાથી માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.


