લોકભાષા-ભુજ :
શહેરના મહાવીરનગર ખાતે રહેતા સુથારીકામના કારીગરે જાતે ગળે કટર વડે આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. માનસિક અસ્વસ્થાને લઈને આત્મઘાતી પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ ભુજના વાલદાસનગર ખાતે રહેતા ૩૬ વર્ષિય ચેતન જેન્તીભાઈ જોટાણીયા રવિવારે સવારે ૯ વાગ્યે પોતાની મહાવીરનગર ખાતે આવેલી ચામુંડા વુડન ફર્નિચર નામની દુકાન ખોલીને કર્મચારીને ચા લઈ આવવા જણાવ્યું હતું. કર્મચારી ચા લેવા ગયો ત્યારબાદ ચેતને પુશબટનવાળી લાકડા કાપવાની કટર પોતાના ગળાના ભાગે ફેરી દઈને જિંદગીનો કરૂણ અંત આપી દીધો હતો. કર્મચારી ચા લઈને આવ્યો ત્યારે ચેતનને લોહીથી લથબથ જોતા આસપાસના લોકોને જાણ કરી હતી, ચેતને આત્મહત્યા કરી છે તેની જાણ ભુજ એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા સ્થળ પર પોલીસની ટીમ પહોંચી આવી હતી, હતભાગીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ચેતને ગળે કટર ફેરવી હોવાથી જમીન પર લોહી જોવા મળ્યુ હતુ.
ભુજ એ ડિવિઝનના પીએસઆઈ ડી.ઝેડ રાઠવાના જણાવ્યા પ્રમાણે ચેતનને પારિવારીક સમસ્યા હતી, બે દિવસ પૂર્વે તેની પત્ની પિયરમાં ગઈ હતી, માનસિક અસ્વસ્થતાને લઈને આત્મઘાતી પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળે છે. સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળવા પામી નથી, હતભાગીના પરિવારની પૂછપરછ બાદ વધુ હકીકતો બહાર આવવા પામશે.

