લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા DGFT અને FIEO ના સહયોગથી “જિલ્લા આઉટરીચ પ્રોગ્રામ અને નિર્યાત જાગૃતિ કાર્યક્રમ” નિર્યાત બંધુ અંતર્ગત યોજાયો હતો.
આ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સહુને આવકારતાં, ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ સ્વાગત પ્રવચનમાં, કચ્છ પ્રદેશની ભૌગોલિક સ્થિતિ, અહીંના ઉદ્યોગસાહસિકોની કાર્યક્ષમતા અને સરકારની પ્રગતિશીલ નીતિઓએ મળીને આ પ્રદેશને નિકાસનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવ્યું છે. અને ખાસ કરીને, કન્ટેનર કાર્ગો, રસાયણો, કાપડ અને એન્જિનિયરિંગ ઉત્પાદનોના ક્ષેત્રોમાં અમારું યોગદાન નોંધપાત્ર રહ્યું છે ત્યારે, કચ્છની હસ્તકલા ક્ષેત્રમાં રહેલી નિર્યાત ક્ષમતા વિશે રાજસ્થાન સાથે તુલના કરતાં મહત્વપૂર્ણ નિરીક્ષણો રજૂ કર્યા હતા તેમજ કચ્છની અનન્ય હસ્તકલા અને તેની નિર્યાત સંભાવનાઓનું રસપ્રદ વિશ્લેષણ રજૂ કર્યું હતું. તેઓએ, રાજસ્થાનની હસ્તકલા નિર્યાત સાથે તુલનાત્મક અભ્યાસ રજૂ કરતા તેમણે કચ્છની કલાકારીગીરીને વૈશ્વિક બજારમાં સ્થાન અપાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે શુભેચ્છા સંદેશ પાઠવતાં જણાવેલ કે, ડીજીએફટીના સહયોગથી અમારું ગાંધીધામ ચેમ્બર નિકાસકારોને નવીનતમ નીતિ માહિતી, આંતરરાષ્ટ્રીય વેપારની તકો અને સરકારી યોજનાઓના લાભો પૂરા પાડવામાં મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરીને સેતુની ભૂમિકા ભજવવાનું રહ્યું છે. ત્યારે આજનો કાર્યક્રમ ફક્ત આપણા હાલના નિકાસકારો માટેજ નહીં પરંતુ વૈશ્વિક બજારમાં પોતાની ઓળખ બનાવવા માંગતા નવા ઉદ્યોગ સાહસિકો માટે પણ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.
DGFT ના ડેપ્યુટી ડાયરેક્ટર અશ્વિન ગોલાપકરે જિલ્લાવાર ઉત્પાદનોની વિગતવાર રજૂઆત કરી. કચ્છનું બ્રાસવર્ક, બાંધણી, સિરામિક અને કેમિકલ્સ, ટીમ્બર, સોલ્ટની વિશેષતાઓ સમજાવતાં તેમણે આ ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય બજારમાં રહેલી માંગ અને નિર્યાત તકો વિશે માહિતી આપી હતી.
DGFT ના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રીમતી દીપશિખાએ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમથી પ્રેઝન્ટેશન દ્વારા કચ્છની આર્થિક પ્રોફાઇલ રજૂ કરી. છેલ્લા પાંચ વર્ષના નિર્યાત આંકડા, વિવિધ ક્ષેત્રોનો વિકાસ અને ભવિષ્યની તકો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે નિર્યાત માટે જરૂરી પાયાની સુવિધાઓ અને સરકારી સહાય યોજનાઓની પણ છણાવટ કરી હતી.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.પી. ડેરે, ટોપ ટૂ બોટમ નહીં પરંતુ, ‘બોટમ ટુ ટોપ’ અભિગમ અંતર્ગત એમએસએમઈને મળતી સહાય યોજનાઓની વિગતો આપી. સબસિડી, ટેક્સ બેનિફિટ્સ અને ટેક્નોલોજી અપગ્રેડેશન માટેની સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ફેક્ટરી ઇન્સ્પેક્ટર શ્રીમતી પિનાકીની પ્રજાપતિએ પણ, ઉદ્યમ પોર્ટલનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું. રજિસ્ટ્રેશન, કોમ્પ્લાયન્સ અને સર્ટિફિકેશનની પ્રક્રિયા સરળતાથી સમજાવી. પોર્ટલ પરથી મળતી વિવિધ સેવાઓની માહિતી પણ આપી હતી.
FIEO ના રીજનલ ઓફિસર પ્રફુલ સોલંકીએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. તથા ગાંધીધામ ચેમ્બરના સહયોગ બદલ આભાર વ્યક્ત કાર્યો હતો. તેમણે વિદેશી રોકાણ આકર્ષવા માટેની સરકારી નીતિઓ અને એફડીઆઇ આકર્ષવા માટેના પ્રોત્સાહનોની જાણકારીસાથે આ આયોજન નો હેતુ સમજાવી માહિતી પાઠવેલ.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિર્યાતકારો, ઉદ્યોગકારો અને વેપારીઓએ ભાગ લીધો હતો. વિવિધ વક્તાઓએ નિર્યાતની તકો, પડકારો અને સમાધાનો પર પ્રશ્નોતરી દરમ્યાન ચર્ચા કરી. ખાસ કરીને કચ્છની પરંપરાગત કલાકારીગીરી, ખનિજ સંપત્તિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં સ્થાન અપાવવા માટેના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો તેમજ તેમણે મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન ડીજીએફટીના અધિકારીઓ દ્વારા મેળવેલ.
“કચ્છનો કારીગર વિશ્વ બજારમાં” એ થીમ સાથે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા ઉદ્યોગકારોને વૈશ્વિક વ્યાપારની તકો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્રણેય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલો આ કાર્યક્રમ કચ્છના નિર્યાત ક્ષેત્રના વિકાસમાં મહત્વનો સીમાચિહ્ન બની રહેશે. તેવું એક અખબારી યાદીમાં ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવેલ.

