લોકભાષા-ગાંધીધામ :
શિસ્તના પાઠ ભણાવવાની જેની જવાબદારી છે તેવા ગુરુજનો દ્વારા જ અશિસ્ત પૂર્વકનુ કાર્ય કરે ત્યારે વિદ્યાર્થીઓ તેમની પાસે શુ અપેક્ષા રાખી શકે છે. આદિપુરની શાળાના આચાર્ય સહિત તમામ શિક્ષકો ગણતરીના વિદ્યાર્થીઓને લઈ પ્રવાસે નીકળી પડતા બાકીના વિદ્યાર્થીઓનુ શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઈ ગયુ હતુ. સમગ્ર મામલે શાળાના આચાર્ય સહિત શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે.
આદિપુરમાં આવેલી હિન્દી માધ્યમની શાળા નંબર બે ના જવાબદાર આચાર્ય અને શિક્ષકોની ગંભીર બેદરકારી સામે આવી છે. સમગ્ર મામલો સીઆરસી કો. ઓડીનેટરની મુલાકાત સમયે બહાર આવ્યો હતો 54 વિધાર્થીઓ સાથે આચાર્ય સહિતના તમામ શિક્ષકો પ્રવાસમાં નીકળી જતાં શાળા બંધ રહી હતી ખરેખર નિયમ અનુસાર જેટલા વિદ્યાર્થીઓની અને શિક્ષકોની મંજૂરી હોય તેમણે જ પ્રવાસમાં જવાનું હોય છે. બાકીના તમામે શાળામાં હાજર રહીને વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને કાર્યરત રાખવાનું હોય છે. આદિપુરમાં આવેલી હિન્દી માધ્યમની શાળા નંબર 2 ને 54 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો સાથે પ્રવાસમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ વિધાર્થીઓ સાથે શાળાના આચાર્ય સહિત તમામ શિક્ષકો પ્રવાસમાં જતા શાળા બંધ રહી હતી. જેના પગલે લગભગ 225ને આસપાસના વિધાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા હતા આ ગંભીર બેદરકારી સામે આવી છે.
સીઆરસીની સ્કૂલ વિઝીટ દરમિયાન આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. સીઆરસી કો. ઓડીનેટરની જોગાનુજોગ આ દિવસે વિઝિટ હોવાથી શાળાએ પહોંચ્યા હતા અને સ્કુલ બંધ હોવાથી શાળાના આચાર્યનો સંપર્ક કરતા સમગ્ર વિગતો બહાર આવી હતી.
આ અંગ સીઆરસી કો. ઓડીનેટર દિલીપભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે સ્કુલ વિઝિટ હોવાથી સ્કુલે પહોંચતા સ્કુલ બંધ હતી આચાર્ય સાથે વાત થતા પ્રવાસમા ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું જેથી સ્કુલ બંધ અંગેનો રિપોર્ટ કર્યો હતો.
આદિપુરમાં આવેલી હિન્દી માધ્યમની શાળા નંબર 2માં લગભગ 280 ની આસપાસ વિધાર્થીઓ છે અને 6 શિક્ષકો છે તે પૈકી 54 વિધાર્થીઓ સાથે તમામ શિક્ષકો પ્રવાસમાં ગયા હોવાનું સામે આવ્યું હતું જેને પગલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગંભીર બેદરકારી સામે આવતા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે
આ સ્કુલ બંધનો મામલો સામે આવતા તાલુકાનો શિક્ષણ વિભાગ સક્રિય થઈ ગયો હતો. આ અંગે ગાંધીધામ તાલુકા શિક્ષણ અધિકારી હિમાંશુ સિજુએ જણાવ્યું હતું કે સી.આર.સી ની વિઝીટ દરમિયાન આ સમગ્ર મામલો સામે આવ્યો છે. જે અંગેની કાર્યવાહી હાથ ધરી છે અને નોટિસ આપી ખુલાસો માગ્યો છે.

