લોકભાષા-ગાંધીધામ :
અંજાર તાલુકાના જુના સુગારીયા ગામે એક સાથે છ મંદિરોને નિશાન બનાવી સોના ચાંદીના છતરોની ચોરી કરી હોવાની અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી લીધા હતા.
આ અંગે અંજાર તાલુકાના જુના સુગારીયા ગામે રહેતા જીવાભાઇ ગુજરીયા એ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે મંગળવારની રાત્રીના સમય કોઈ અજાણ્યા શખ્સો દ્વારા મોમાઈ માતા મંદિર, શીતળા માતાના મંદિર, મરંડ પરિવારના મોમાઈ માતાના મંદિર, વાસરાદાદાના મંદિર અને ચામુંડા માતાના મંદિર તેમજ ગામની નજીક આવેલા મોમાઈ માના મંદિરને નિશાન બનાવી તેમાંથી સોના ચાંદીના છતરો તથા અન્ય વસ્તુની ચોરી કરી છે. આ અંગે અંજાર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
અંજાર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ એક સાથે નાના એવા ગામના છ મંદિરોને નિશાન બનાવી સોના ચાંદીના છતરો તેમજ રસોડાના વાસણો મળી આશરે 40 હજારની કિંમતના મુદ્દામાલની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી દરમિયાન આરોપી પુનીત શામજીભાઈ મરંડ ઉ.વ.૨૮ રહે.નવા સુગારીયા ગામ તા.અંજાર કચ્છ, પ્રદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૩૧ ૨હે. જુના સુગારીયા તા. અંજાર કચ્છને ઝડપી તેમના કબજામાંથી ચાંદીના નાના મોટા છત્તર નંગ-૫૯ કિંમત રૂપિયા ૨૯૫૦૦, સોના છત્તર નંગ-૦૩, કિંમત રૂપિયા ८०००, વાસણો કિંમત રૂપિયા બે હજાર મળી કુલ રૂપિયા ૪૦૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


