લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકાના નાગરિકો અને વ્યવસાયકારોને વેરામાં 100 ટકા વ્યાજમાફી યોજનાનો લાભ આપવા બાબતે મુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. ચેમ્બરે ગુજરાત સરકાર અને જામનગર મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકાયેલ વ્યાજમાફી યોજનાનો હવાલો આપીને ગાંધીધામના નાગરિકોને પણ આવો જ લાભ આપવાની માંગણી ઉચ્ચારી છે.
ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે, “જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. 01/04/2006 થી તા. 31/03/2024 સુધીના મિલકત વેરા, વોટર ચાર્જીસ, વ્યવસાય વેરા અને કારપેટના બાકી વેરા પર 100% વ્યાજમાફી આપવામાં આવી રહી છે. આ યોજનાથી નાગરિકોને રાહત મળી રહી છે અને મહાનગરપાલિકાને પણ બાકી વેરાની વસૂલાત કરવામાં સરળતા થઈ રહેલ છે. ગાંધીધામ શહેરના નાગરિકોને પણ આવી જ રાહત મળવી જોઈએ.” તેવી માંગ આ અનુસંધાને ચેમ્બર દ્વારા કરાઈ છે.
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણી એ વધુમાં જણાવ્યું હતું કે, “હાલમાં ગાંધીધામ શહેર પરિવર્તન સાથે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. કોવિડ—19 મહામારી બાદ અર્થતંત્ર હજુ પૂરી રીતે પાટે ચડ્યું નથી. ગાંધીધામ કચ્છનું મહત્વનું ઔદ્યોગિક અને વાણિજ્યિક કેન્દ્ર હોવા છતાં, અહીંના નાનાં વેપારીઓ અને નાગરિકો આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે. 100 ટકા વ્યાજમાફી યોજના અમલમાં મૂકવામાં આવે તો નાગરિકોને બેવડો લાભ થશે. એક તો તેમને વ્યાજના બોજમાંથી મુક્તિ મળશે અને બીજું મહાનગરપાલિકાને પણ મૂળ રકમની વસૂલાત કરવામાં સરળતા રહેશે.” તેમ જણાવેલ.
તેમના મતે, ચેમ્બરની રજૂઆત મુજબ, ગાંધીધામ શહેરને તાજેતર માં જ મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે તે, આનંદ અને ગૌરવની બાબત ગણી શકાય. સાથોસાથ, ગાંધીધામ શહેર એ કચ્છનું મહત્વનું ઔદ્યોગિક અને વાણિજિયક કેન્દ્ર પણ છે. અહીંના નાગરિકો અને વેપારીઓ પણ હાલમાં ચાલી રહેલી થોડી મંદીના કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
“આ 100% વ્યાજમાફી યોજના આખરે લોકો અને મહાનગરપાલિકા બંને માટે લાભદાયી બની રહેશે. નાગરિકો પોતાના બાકી વેરાની ચૂકવણી કરી શકશે અને મહાનગરપાલિકાને પણ વેરાની આવકમાં વધારો થશે. આ એક વિન-વિન સ્થિતિ થશે,” તેવું શ્રી મહેશ તીર્થાણી એ ભારપૂર્વક અને વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
ચેમ્બરે સરકાર સમક્ષ આ વિષય પર જલ્દી અને સકારાત્મક નિર્ણય લેવા વિનંતી કરી છે. અને આશા વ્યક્ત કરી છે કે, આ બાબતે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવાશે. તેવું આ અખબારી યાદીમાં ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ વધુમાં જણાવ્યું હતું.


