લોકભાષા-ભુજ :
ભુજ તાલુકાના કેરા ગામ નજીક મુંદરા રોડ પર શુક્રવારે સવારે બપોરે એક વાગ્યે ઓવર ટેકની લાયમાં ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં આગળ જતા ટ્રેઇલરને બસ ઓવર ટેક કરવા જતાં સામેથી આવતા ટ્રેઇલર સાથે ધડાકાભેર અથડાઇ પડી હતી. અકસ્માત એટલો ભયંકર હતો. કે, બસમાં બેઠેલા લોકો ઉછડીને બહાર ફેંકાયા હતા. બસમાં સવાર 30 લોકો પૈકી પાંચ લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે 25 લોકોને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાને લઇ મૃતક અને ઘાયલોના સબંધીઓ તેમજ કચ્છ કલેકટર, એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલમાં દોડી આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતનો બનાવ બપોરે એક વાગ્યાના અરસામાં કેરા અને બાબીયા ગામ વચ્ચેના હાઇવે માર્ગ પર બન્યો હતો. મુંદરાથી ભુજ આવી રહેલી સીતારામ ટ્રાવેલ્સની બસના ચાલકે આગળ જતા ટ્રેઇલરને ઓવર ટેક કર્યો હતો. ત્યારે સામેથી આવતા ટ્રેઇલર સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. આગળનું ટ્રેઇલર પણ બસ સાથે અકસ્માતથી બચવા રોડની સાઇડમાં પલ્ટી મારી ગયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે, બસમાં આગળના ભાગનો ખુડદો બોલી ગયો હતો. આગળ બેઠેલા મુસાફરો ધડકાભેર ઉછડીને રોડ પર ફંગોળાયા હતા. જેઓનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર કરૂણ મોત થયું હતું. હાઇવે માર્ગ પર લોહીથી લથપથ પ્રવાસીઓની ચીચયારી ગુંજી ઉઠી હતી. 108 એમ્બ્યુલન્સ તેમજ પ્રાઇવેટ વાહનોથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માનકુવા પોલીસે બનાવની નોંધ આગળની તપાસ હાથ ધરી છે.
અકસ્માતના હતભાગીઓ
આસીફ ફકીરમામદ માજોઠી (ઉ.વ.22) રહે કેમ્પ એરિયા અમનનગરી ભુજ, કુલસુમબેન મામદહુશેન સના (ઉ.વ.50) રહે શાહમુરાદ બુખારીપીરની દરગાહની બાજુમાં મુંદરા, સાલે સચુ રાયશી (ઉ.વ.24), રહે ભીરંડીયારા ખાવડા, શાહઆલમ ગુલામ મહેમુદ (ઉ.વ.36) રહે છજજનપુરા આંબેડકરનગર યુપી, અને સોબરનદાસ બંસીધર જોદોન (ઉ.વ.73) રહે મુંદરા સંતોષીમાતાજીના મંદિર પાસે ગ્રીન પાર્ક સહિતના પાંચ લોકોનું ગંભીર ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું.


