લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામમાં ઉનાળાની શરૂઆતમાં જ પીજીવીસીએલને લાપરવાહી ગણો કે બેદરકારી છતી થઈ છે રાત્રિના સમયે ફીડરમાં ફોલ્ટ સર્જાતા મુખ્ય બજાર સહિત રહેણાંક વિસ્તારોમાં પણ વીજ પુરવઠો ઠપ થઈ જતા અંધારપટ છવાયો હતો.
ગાંધીધામ શહેરના લોકો અનેક યાતનાઓ અને મુશ્કેલીઓ વેંઢારી રહ્યા છે માત્ર વહીવટી તંત્રની બેદરકારી અને લાપરવાહીના કારણે સમસ્યાઓ લોકોના માથે પડે છે ગાંધીધામ શહેરની મુખ્ય બજાર અને નજીકના વિસ્તારમાં ગુરુવારે રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. લોકો દ્વારા પીજીવીસીએલ કચેરીમાં સંપર્ક કરતા ફીડરમાં ફોલ્ટ સર્જાયો હોય એકાદ કલાક વીજ પુરવઠો બંધ રહેશે તેવા પ્રત્યુત્તર મળી રહ્યા હતા.
એક તરફ સરકાર દ્વારા 24 કલાક વીજળી આપવાની મોટી વાતો કરે છે ત્યારે દિવસમાં ગમે ત્યારે વીજ પુરવઠો ખોરવાઈ જતા ગાંધીધામના વિવિધ વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગાંધીધામ પીજીવીસીની લાપરવાહીને કારણે ઉનાળાની શરૂઆતથી જ લોકો એવી જ સમસ્યાથી ત્રસ્ત બન્યા છે.
સરકાર દ્વારા મોટાભાગે ઓનલાઇન અને ડિજિટલનો ઉપયોગ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે હાલમાં માર્ચ એન્ડિંગનો સમય છે ત્યારે વેપારીઓ દ્વારા પોતાના હિસાબો પતાવી ઇન્કમટેક્સ રીટર્ન ભરવાની તૈયારીઓ કરતા હોય છે ત્યારે વિવિધ વિસ્તારોમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઇ જતાં આ સમસ્યા તેમના માટે ત્રાસદાયી બની રહે છે આ ઉપરાંત હાલમાં ગરમીનું પ્રમાણ વધ્યું હોવાથી મોટાભાગે બજારમાં નાની મોટી ખરીદી કરવા લોકો સાંજના સમયે નીકળતા હોય છે ત્યારે રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાઇ જતા વેપારીઓને ધંધામાં નુકસાન જાય છે અને લોકોને પણ બજારમાં જઈ ખરીદી કર્યા વગર પરત કરવું પડે છે આ સમસ્યાનું નિરાકરણ લાવવા પીજીવીસીએલના વહીવટી તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ ઉઠી છે


