લોકભાષા-ભુજ :
કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતી નવી ટ્રેન સેવાનો આજે પ્રારંભથયો છે. ટ્રેન નંબર 09446/09447 તરીકે ઓળખાતી આ સેવા 21 માર્ચથી 30 જૂન સુધી ચાલશે.
ભુજથી સવારે 6:50 કલાકે ઉપડતી આ ટ્રેન બપોરે 1:35 કલાકે રાજકોટ પહોંચશે. રાજકોટથી બપોરે 2:35 કલાકે પ્રસ્થાન કરી રાત્રે 9:40 કલાકે ભુજ પહોંચશે. ટ્રેન ગાંધીધામ, ભચાઉ, સામખીયાળી, માળિયા, દહીંસરા અને મોરબી સ્ટેશને રોકાણ કરશે. આ ટ્રેનમાં કુલ 10 કોચ છે. એક એસી ચેર કાર, એક સ્લીપર અને 6 જનરલ કોચનો સમાવેશ થાય છે. મુસાફરો માટે ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે.

ભાડાની વાત કરીએ તો જનરલ ક્લાસમાં 115 રૂપિયા, સેકન્ડ ક્લાસ સિટિંગમાં 125 રૂપિયા અને એસી ચેર કારમાં 535 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. હાલમાં એસટી બસમાં સિટિંગનું ભાડું 200 રૂપિયા અને વોલ્વો બસમાં 600 રૂપિયા છે.
મુસાફરોએ અંજાર અને આદીપુર જેવા મોટા સ્ટેશનો પર પણ ટ્રેનને રોકવાની માંગ કરી છે. સાથે જ દ્વારકા સુધી સેવા લંબાવવાની પણ માંગણી કરી છે. ટ્રેનમાં મુસાફરી માટે લાગતો સમય એસટી કરતાં થોડો વધારે છે. એસટીમાં 6 કલાક લાગે છે જ્યારે ટ્રેનમાં પોણા 7 કલાક લાગે છે. આ સેવા ખાસ કરીને ઉનાળુ વેકેશન દરમિયાન અને વેપારીઓ માટે લાભદાયક સાબિત થશે. મુસાફરોની સંખ્યાના આધારે ભવિષ્યમાં સેવાનું સંચાલન નક્કી કરવામાં આવશે.


