લોકભાષા-ભુજ :
ભુજ એરપોર્ટ પર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજ એસટી બસ પર પણ લોકોને હેરાનગતિ નહીં હોય એટલી એરપોર્ટ પર છે. એક જ સિક્યોરિટી ચેક ઇન મશીન હોવાને કારણે ખાસ કરીને સવારના સમયે મુસાફરો માટે પરિસ્થિતિ વધુ કઠિન બની છે.
મુંબઈ માટેની બે ફ્લાઇટ્સ એક જ સમયગાળા દરમિયાન હોવાને કારણે એરપોર્ટ પર વ્યાપક ભીડ જોવા મળી છે, જે મુસાફરો માટે મુશ્કેલીનું કારણ બની છે. ત્યારે મુસાફરો ફ્લાઈટ્સમાં બેસે એ પહેલાં હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં, કચ્છ આવેલા વિદેશી મુસાફર પણ અગવડતાથી ત્રાહિમામ્ પોકારી ગયા છે
સિક્યોરિટી ચેક ઇન પ્રક્રિયા બોર્ડિંગ પાસ મેળવતા પહેલાં ફરજિયાત છે. એક જ મશીન હોવાને કારણે લાંબી લાઈનો લાગી રહી છે, તેમાં પણ બાળકો અને વૃદ્ધ મુસાફરોને આ પરિસ્થિતિમાં વધુ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આજે એર ઇન્ડિયા અને એલાયન્સ એરની ફ્લાઇટ્સ દરમિયાન પણ અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી.
એરપોર્ટ ઓથોરિટીના પ્રવક્તા નવીન સાગરે આ સમસ્યાને સ્વીકારી છે. તેમણે મુસાફરોને ફ્લાઇટના સમયથી દોઢ કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “હાલમાં એરપોર્ટનું રિનોવેશન ચાલી રહ્યું છે અને વધુ ક્ષમતાવાળા નવા મશીન સરકારની મંજૂરી અને દિશાનિર્દેશ મુજબ લાગતાં હોય છે. આ પ્રક્રિયામાં હજી થોડો સમય લાગી શકે છે.”મુસાફરોમાં નારાજગી
મોંઘી ટિકિટ ખરીદ્યા છતાં મુસાફરોને બસ ડેપો જેવો અનુભવ થઈ રહ્યો છે. એરલાઇન કંપનીઓ, ટિકિટ બુકિંગ વેબસાઇટ્સ અને એજન્ટો દ્વારા મુસાફરોને વહેલા પહોંચવા માટે વિનંતી કરવામાં આવી રહી છે, પરંતુ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ ન મળતાં મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે.
મુસાફરોની હેરાનગતિ ટાળવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. વધુ સિક્યોરિટી ચેક મશીનોની વ્યવસ્થા અને સુચારુ વ્યવસ્થાપન દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.


