લોકભાષા-ભુજ :
લખપત તાલુકાના સુભાષપર પાસેના સાન્ધ્રો ડેમમાં નાહવા પડેલા દયાપર ગામના બે કિશોરો પૈકી એકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગામ લોકોએ બચાવી લીધો હતો. તો, બીજીતરફ ભુજ તાલુકાના સુખપર ગામના યુવકે તેના કબ્જાના ટેમ્પોના એંગલ પર દોરડું બાંધીને આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે મૃતકોના પરિવારજનોમાં ગમગીનીનો માહોલ સર્જાઇ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે ઇદના દિવસે દયાપર ગામે રહેતા નોમાન રફીકભાઇ લુહાર (ઉ.વ.17) નામનો કિશોર અને તેના ફઇનો દિકરો ભાઇ અયાન મામદ લુહાર (ઉ.વ.15) બન્ને જણાઓ બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં સુભાષપર પાસે આવેલા સાન્ધ્રો ડેમમાં નાહવા ગયા હતા. બન્ને કિશોર ડૂબવા લાગતાં આસપાસથી લોકો દોડી આવી બન્ને કિશોરને પાણીમાંથી બહાર કાઢી લીધા હતા. જેમાં વધુ પાણી પી લેનાર નોમાન લુહારને દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાતાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. દયાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યાવહી કરી હતી. મૃતક પિતા રફિકભાઇ હારૂનભાઇ લુહાર સુથારીનું કામ કરે છે. તેમને સંતાનમાં બે દિકરા એક દિકરી છે. જેમાં ઇદના દિવસે મોટા દિકરા નોમાનનું મોત થતાં પરિવારજનો અને સગાસધંધીઓમાં માતમ છવાઇ ગયો હતો. તો, બીજીતરફ ભુજ તાલુકાના સુખપર ગામે રહેતા 22 વર્ષિય સમીર ઓસમાણ નોતિયાર નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર સોમવારે ઇદના દિવસે રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં પોતાના કબ્જાનો ટેમ્પો રીલાયન્સ પંપની સામે પાર્ક કર્યો હતો. તેના એંગલમાં દોરડું બાંધીને આપઘાત કરી લીધો હતો. માનકુવા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર એચ.એચ.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. કે, યુવક તેના પરિવારજનોના કહેવામાં ન હતો અને મનધાર્યું કરતો હોવાનું મૃતના પરિવારજનોની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. યુવકે અપરણીત હતો તેને કયા કારણે આપઘાત કર્યો તે હજુ બહાર આવ્યું નથી.

