લોકભાષા-નખત્રાણા :
નખત્રાણા-લખપત હાઇવે પર નવાનિર્મિત મથલ બ્રિજ નજીક પસાર થતી નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં અચાનક ભંગાણ સર્જાતાં હજારો લિટર પીવાનું પાણી વેડફાઇ ગયું હતું. પાઇપલાઇનના એરવાલ્વમાંથી અંદાજે ૩૦ ફૂટ જેટલા ઊંચા પાણીના ફુવારા ઊડતાં આસપાસનો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો.
નખત્રાણા-લખપત હાઇવે નવા બનેલા મથલ બ્રિજ નજીક એરવાલ્વમાં ભંગાણ થવાના કારણે ૩૦ ફૂટ ઊંચે સુધી પાણીના ઉછાળા મારતા ફુવારા થકી મોટી માત્રામાં પાણી રસ્તા પર વહી જતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ દરમિયાન કેટલાક વાહનચાલકો વહેતા પાણીમાં પોતાના વાહનો ધોતા નજરે પડ્યા હતા.
એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની અછતને કારણે નાગરિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે બીજી તરફ નર્મદા લાઇનના એરવાલ્વમાં સર્જાયેલા ભંગાણથી કિંમતી પાણીનો મોટો બગાડ થતાં સ્થાનિકોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહીશો તથા વાહનચાલકોએ તંત્ર પાસે માગ કરી છે કે આ ભંગાણનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે અને પીવાના કિંમતી પાણીનો બગાડ અટકાવવામાં આવે.



