લોકભાષા-ભુજ :
કચ્છ કલેક્ટર અને મુંદરા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકાના શિર્વાની ગામે સરકારી જમીન પર થયેલું મોટું ગેરકાયદેસર દબાણ મામલતદાર માંડવીની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શિર્વાની ગામના સરકારી સર્વે નંબર ૪૦૮ પૈકીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. આ દબાણમાં ૭૦૦ ચોરસ મીટરના વિસ્તારમાં રહેણાંક મકાન, પતરાવાળું શેડ અને બે દુકાનો તેમજ ૬૦૦ ચોરસ મીટરના વિસ્તારમાં બે ગોડાઉન જેવા દેખાતા રૂમો અને તેની ફરતે દીવાલ બનાવવામાં આવી હતી. આમ, કુલ ૧૩૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર કબ્જો કરવામાં આવ્યો હતો, જેની જંત્રી મુજબની અંદાજિત કિંમત રૂા.૬,૫૦,૦૦૦/- જેટલી થવા જાય છે.

આ ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે તારીખ ૦૯/૦૬/૨૦૨૬, મંગળવારના રોજ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માંડવીના મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવાના નેતૃત્વ હેઠળ માંડવી (શહેર) ના સર્કલ ઓફિસર તથા અન્ય મહેસૂલી સ્ટાફે ઘટનાસ્થળે હાજર રહીને આ તમામ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા હતા અને સરકારી જમીનને સંપૂર્ણપણે દબાણમુક્ત કરી હતી. આ અંગેની સત્તાવાર અખબારી યાદી મુંદરાના પ્રાંત અધિકારી અભિષેક આર. સિંહા દ્વારા જાહેર કરવામાં આવી છે.


