લોકભાષા-ભુજ :
સામાન્ય રીતે 1લી નવેમ્બરથી કચ્છના સફેદ રણમાં રણોત્સવ યોજાતો હોય છે. પરંતુ રણોત્સવમાં ટેન્ટ સિટી ઊભી કરવાના ટેન્ડરમાં વિવાદ સર્જાતાં મામલો રાજ્યની વડી અદાલત સુધી પહોંચ્યો હતો અને ટેન્ડરની ફાળવણી રદ કરવામાં આવતાં અગાઉથી હોટેલ અને ટુર્સ બૂકિંગ કરાવનારા કચ્છ બહારના પ્રવાસીઓ હવે એડવાન્સ બુકિંગ રદ્દ કરાવતા થયા હોવાનું ટુર ઓપરેટર અને હોટલ સંચાલકોએ જણાવ્યું છે.
બે ખાનગી કંપની વચ્ચેની લડાઇના કારણે કચ્છના પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા ટૂર્સ-એન્ડ ટ્રાવેલ્સ, હોટેલ, હસ્તકલા સહિતના વ્યવસાય ઉપર અસર થશે ત્યારે હોસ્પિટલિટી સાથે સંકળાયેલા ધંધાદારીઓએ જણાવ્યું હતું કે અફવાથી બચીને રહેવું અને રણઉત્સવતો યોજાશે જ માત્ર ટેન્ટસિટી અંગે વિવાદ ચાલી રહ્યો છે.
ટુરિઝમ દ્વારા જે દર વર્ષે યોજાય છે તે રણોત્સવ તો યોજવાનો જ છે. મુખ્ય પ્રશ્ન ટેન્ટ સિટીનો જ છે. પરંતુ પ્રવાસીઓમાં ગેરસમજ ફેલાઇ રહી છે કે રણોત્સવ નહીં યોજાય જેનું કારણ બે કંપની વચ્ચે ચાલી રહેલા ટેન્ડરની પ્રકિયા છે તે પણ તા. 20 થી 22 સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે ટેન્ટ સિટીનુ સંચાલન કોણ કરશે. પરંતુ ટેન્ટસિટીના સંચાલન અને રણોત્સવને લોકો એક જ સમજી રહ્યા છે જેથી કરીને 20થી 30 ટકા લોકો એડવાન્સ બુકિંગ કેન્સલ કરવી રહ્યા છે. તો નવા બુકિંગની ઇન્કવાયરી કે જે આ સમયગાળા દરમિયાન વધારે રહેતી હોય છે ત્યારે લોકો માત્ર બુકિંગ કેન્સલ કરાવવા માટે જ ફોન કરી રહ્યા છે ત્યારે ખરેખર લોકોએ આવી અફવાથી દૂર રહેવું જોઈએ.
ટૂર્સ-ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખ અંશુલ વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે, કચ્છના સફેદ રણમાં ટેન્ટ સિટીનું આયોજન કરતી બે ખાનગી કંપની વચ્ચેની લડાઇની માઠી અસર કચ્છના પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા ટૂર્સ-એન્ડ ટ્રાવેલ્સ, હોટેલ, હસ્તકલા સહિતના વ્યવસાય ઉપર થઈ રહી છે. પ્રવાસીઓ દ્વારા જ એડવાન્સ બૂકિંગ રદ થતા ધંધામાં ખોટ થઈ રહી છે ત્યારે વિવિધ માધ્યમો થકી ફેલાઇ રહેલી ખોટી અફવા કે ગેરસમજનાં કારણે બહારના પ્રવાસીઓને એવું છે કે રણોત્સવ થશે કે નહીં હજુ એ જ નક્કી નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે બે ખાનગી કંપનીઓ વચ્ચેની ટેન્ડર પ્રક્રિયાના કારણે ખોટી માન્યતા પ્રવાસીઓમાં બેસી ગઇ છે
ટૂર્સ-ટ્રાવેલ્સ એસોસિયેશનમાં કચ્છમાં 50 જેટલા ટૂર ઓપરેટર સંકળાયેલા છે અને હવે તો મોટાભાગે ઓનલાઇન બુકિંગ જ પ્રવાસીઓ કરાવતા હોય છે. ત્યારે 20થી 25 ટકા લોકોએ તો રણોત્સવ નહીં યોજાય તેવી અફવાના કારણે એડવાન્સ બુકિંગ રદ્દ કરી દીધા છે તો કેટલાક પ્રવાસીઓને હોલ્ડ કરવા માટેના સુચનો પણ ટુર્સ ઓપરેટર દ્વારા આપવામાં આવ્યા છે. લોકોએ ડિસેમ્બર માસની એર ટિકિટો, રેલવે ટિકિટો હાલમાં જ બુક કરાવી હોય છે ત્યારે રદ્દ કરાવવા તેમજ રણોત્સવ યોજાશે કે નહીં તેના માટે ફોન કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેશ- વિદેશમાં બેઠેલા 7 થી 11 લાખ પ્રવાસીઓ રણોત્સવ તેમજ કચ્છની અન્ય પ્રયત્ન સ્થળોએ રજા માણવા કચ્છ આવે છે. ત્યારે અફવાના કારણે જો લોકો અહીં પ્રવાસે નહીં આવે તો 400 થી 500 કરોડનું નુક્સાન થઈ શકે તેમ છે. ત્યારે ટેન્ટ સિટીના ટેન્ડર પ્રક્રિયા નવેસરથી 17મી તારીખે થવાની છે અને ત્યાર બાદ ટેન્ટ સિટીનું સંચાલન કોણ કરશે તે સ્પષ્ટ થશે.

