લોકભાષા-ગાંધીધામ :
નગરપાલિકાની બેદરકારીને કારણે ગાંધીધામના ગુરુકુળ વિસ્તારના લોકો અનેક સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાની ફરિયાદ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતુ.
ગુરુકુળ યુથ કલબ દ્વારા ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને સંબોધી પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે વોર્ડ ૯ (ગુરુકુલ) અને આસપાસના વિસ્તારોમાં નગરપાલિકાની બેદરકારીને કારણે સામાન્ય નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુકુલ અને આસપાસના વિસ્તારમાં ઘણા રસ્તાઓ ખરાબ હાલતમાં છે. આ કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે હલનચલમાં ભારે મુશ્કેલી આવે છે. તાત્કાલિક માર્ગોની મરામત અને પુનઃનિર્માણની કામગીરી જરૂરી છે.
આ વિસ્તારમાં પાણી વિતરણની ખોરંભે ગયેલી વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે ગુરુકુલ વિસ્તારમાં પાણી પુરવઠો નિયમિત મળતો નથી અને પૂરતું સ્વચ્છ પાણી મળતું નથી. નગરપાલિકા દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવીને પાણી પુરવઠો નિયમિત અને શુદ્ધ પાણી મળે તેવુ આયોજન જરૂરી છે.
ડ્રેનેજની સમસ્યાને કારણે ગુરુકુલના માર્ગો પર દુષિત પાણી ફેલાયેલું રહે છે ખાસ કરીને ચોમાસાના માહોલમાં રસ્તા પર પાણી ભરાવથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
આ પત્રમાં દબાણો અંગે કેટલાક લોકો પોતાના મકાનની સામે સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી રહ્યા છે અને ત્યાં બાંધકામ કરી રહ્યા છે. આ પ્રકારના ગેરકાયદેસર કબજાઓને રોકવા રજુઆત કરી છે.
આ ઉપરાંત રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા, ખાલી પ્લોટમાં ઉગેલી ઝાડીઓ કાપવા, રસ્તા ઉપર લાઈટની સમસ્યા, નવા રસ્તાઓનુ નિર્માણ, રસ્તાઓની બને બાજુ પેવર બ્લોક નાંખવા, ગુરુકુલમાં ફરિયાદ નોંધણી કચેરીની સ્થાપના કરવા સહિતના પ્રશ્નોનુ નિરાકરણ લાવવાની માગણી કરી હતી.


