લોકભાષા-આણંદપર
આ વર્ષ અતિશય અને સતત વરસાદના કારણે ખેડુતોએ કરેલ ચોમાસું પાકમાં નુકસાન વેઠવાનો વખત આવ્યો છે. જેમાં ખેડુતોએ લાખના ત્રીસ હજાર કર્યા છે. અને સૌથી વધારે નુકશાન ખેડુતને કપાસના પાકમાં આવ્યું છે. સતત-અતિશય વરસાદના કારણે કપાસના ઝાડપર લાગેલા ફૂલો પડી જવાથી પહેલો ફાલ ફેલ ગયો હતો જયારે બીજો ફાલ લાગતાની સાથે કપાસમાં સુકારો આવવાથી ફાલ નહિવત ઉતર્યો હતો. આ વર્ષ કપાસે ખેડુતોને રાતા પાણીએ રોવડાવ્યા છે.
આ વિશે આણંદપર(યક્ષ)ની આજુબાજુના પલીવાડ, મોરગર, સાંયરા, દેવપર, વિથોણ, જીયાપર, મંગવાણા, કુરબઈ ગામના ખેડુતોએ જણાવ્યું હતું કે વરસાદ અને સુકારા થકી કપાસની વીણી એકજ થઈ હતી. આ વર્ષ કપાસનો પાક ઓછો થવાથી પંજાબથી કપાસ વીણવા આવતા લોકો(ચૂસીયા) ના આવવાથી લોકલ મજુરી મોગી પડી રહી છે. પંજાબથી આવતા મજુરો કિલોના ભાવ પર વીણતા જયારે લોકલ મજૂર રોજના અઢીસોથી ત્રણ સો રૂપિયાના બે વિણતા ખેડુતોને એક મણ(ચાલીસ) કિલોના ચારસોથી પાંચસો રૂપિયા લાગે છે જે ખેડૂતોને મોઘું પડે છે.
આજે ખેતી ખર્ચાળ થતી જાય છે.આ વર્ષ ભાવો પણ ઓછા છે.સાથે ફાલ પણ ના હોવાના કારણે ખેડૂતોને ખોટ ખાવાનો વખત આવ્યો છે.વાતાવરણ અને જમીન માફક આવી જાય તો કપાસ એકરે પચાસ મણ ઉતરી શકે છે.હાલ આવર્ષે માંડ પાંચથી આઠ મણ ઉતરશે. હાલ કપાસનો ભાવ ત્રણ હજારની આસપાસ છે. અબડાસા, લખપત તેમજ નખત્રાણા તાલુકામાં માર્કેટયાર્ડના હોવાથી ખેડૂતોને ભાવ સારા મળતા નથી. જો માર્કેટ યાર્ડ હોય તો ખેડુતોને સારા ભાવો મળી શકે તેવું કુરબઈ ગામના ખેડૂત નરસિંહભાઈએ જણાવ્યું હતું. આમાં વચેટિયાઓ ફાવી જાય છે અને ખેડુતોને નુકસાન ભોગવવાનો વખત આવે છે.

