લોકભાષા-ભુજ :
દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના હસ્તે દેશભરમાં ૧૦,૦૦૦ નવીન એમ-પેક્સ, ડેરી અને ફીશરીઝ સોસાયટીઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અન્વયે કચ્છ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, કેડીસીસી બેંક અને નાબાર્ડ કચ્છના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં કચ્છ જિલ્લાની નવીન સહકારી મંડળીઓને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
કેડીસીસી બેંક ખાતે આયોજિત કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે, અગ્રણી દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર સુશ્રી મેઘા અગરવાલ, નાબાર્ડના ડીડીએમ નિરજકુમાર સિંઘ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે જિલ્લાની ૦૯ એમ-પેક્સ(સેવા), ૧૫૬ દૂધ મંડળીઓ અને ૦૧ ફિશરિઝ મંડળીને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારની COP-5 યોજના અંતર્ગત કચ્છ જિલ્લાની પાંચ જેટલી સહકારી મંડળીઓને નાણાંકીય સહાયની ચૂકવણીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રામપર વેકરાની સેવા મંડળીને સીએસસી સેન્ટરની ઉત્તમ કામગીરી અને અંજારના નગાવલાડીયા સેવા મંડળીને પાણી સમિતિની ઉત્તમ કામગીરી બદલ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં દિલ્હી ખાતે દેશના કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને અને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના સહકારી અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કેડીસીસી બેંક ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છના વિવિધ સહકારી અગ્રણીઓ, પદાધિકારીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ અને નવીન સભાસદો મોટી સંખ્યામાં જોડાયા હતા.

