લોકભાષા-ગાંધીધામ :
અબડાસા તાલુકાના ઉસ્તીયા ગામે આજે તારીખ 14 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો, જ્યાં એક ધાર્મિક સ્થાન પર આકાશી વીજળી ત્રાટકવાની ઘટના સામે આવી છે. ગામમાં આવેલા પ્રખ્યાત મોમાઈ માતાના મંદિર પર વીજળી પડતાં તેના શિખરને ભારે નુકસાન પહોંચ્યું છે.મળતી માહિતી મુજબ, આજે સાંજથી જ સમગ્ર અબડાસા પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો.
અસહ્ય ઉકળાટ બાદ વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર ગડગડાટ સાથે તોફાની વાતાવરણ સર્જાયું હતું. આ દરમિયાન ઉસ્તીયા ગામમાં આવેલા મોમાઈ માતાજીના મંદિરના શિખર પર અચાનક આકાશી વીજળી ખાબકી હતી. વીજળી પડવાના કારણે મંદિરના શિખરનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો અને તેને મોટું નુકસાન થયું હતું. અચાનક થયેલા આ ભયાનક કડાકા અને ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, સદનસીબે આ દુર્ઘટના સમયે કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. હાલમાં સમગ્ર પંથકમાં વીજળીના ચમકારા સાથે તોફાની માહોલ યથાવત છે.


