લોકભાષા-ગાંધીધામ :
કચ્છ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પગલે આજે સવારથી જ સમગ્ર પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ દરમિયાન સવારે ૧૦ થી ૧૨ વાગ્યાના બે કલાકના ટૂંકા સમયગાળામાં ભુજ શહેરમાં ધોધમાર એક ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
ભુજ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. પૂર્વ કચ્છની વાત કરીએ તો, ભચાઉમાં ૪ મીમી અને ગાંધીધામમાં ૩ મીમી વરસાદ નોંધાયો છે.
જ્યારે પશ્ચિમ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી હતી, જેમાં માંડવીમાં ૭ મીમી અને મુંદ્રામાં ૨ મીમી વરસાદ પડ્યો હતો.
સમગ્ર કચ્છમાં લાંબા સમય બાદ આવું વરસાદી વાતાવરણ સર્જાતાં અને ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતા અને ઉત્સુકતા (મિશ્ર લાગણી) વ્યક્ત થઈ રહી છે. વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી પણ રાહત મળી છે.



