લોકભાષા-ભુજ :
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના અન્ય સ્થળોની સાથે કચ્છના ધોરડો સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સહિત ૧૧ દેશના કાઈટિસ્ટો ધોરડો ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સહભાગી થઈને અવનવી પતંગો દ્વારા આકર્ષણ જમાવશે. ધોરડો ખાતે ૧૩ જાન્યુઆરીના દિવસે સવારે ૧૦.૩૦ કલાકે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે. આ આંતરરાષ્ટ્રીય પંતગ મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અને માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિત જિલ્લાના વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.
દેશ-વિદેશથી પધારેલા કાઈટિસ્ટોનું કચ્છની ધરા ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાગત કરવામાં આવશે. દેશ વિદેશના કાઈટિસ્ટો માટે કચ્છના સફેદ રણમાં સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. ધોરડોના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બેલારૂસ, ભૂતાન, કોલમ્બિયા, ડૅનમાર્ક, હંગ્રી, ઈન્ડોનેશિયા, માલ્ટા, સ્લોવેનિયા, ટ્યુનિશિયા, તૂર્કી સહિતના દેશના પતંગબાજો સહભાગી થશે. આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, ઓડિશા, વેસ્ટ બેંગાલ, સિક્કિમ સહિત વગેરેમાંથી પંતગબાજો કચ્છની ધરા ઉપર પધારીને અવનવા પતંગો સાથે ધોરડોના આકાશમાં આકર્ષણ જમાવશે.

