લોકભાષા-ભુજ :
કચ્છના દરિયાઇ લખપત સરહદના પીલર નંબર 1149 પાસે બીએસએફ બટાલીયને ઘુસણખોરી કરતા એક પાકિસ્તાની યુવકને ઝડપી પાડીને પુછપરછ કર્યા બાદ દયાપર પોલીસને હવાલે કર્યો હતો. પાકિસ્તાની યુવક પાસેથી માછીમારીના સાધનો સિવાય કોઇ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી ન આવતાં જેઆઇસીમાં મોકલી દેવા પોલીસે કાર્યવાહી કરી છે.
પાકિસ્તાનના કાળા ગુગડા ગામના 22 વર્ષના બાબુઅલી ઉમરગની નામના શખ્સને રવિવારે પેટ્રોલીંગ દરમિયાન બીએસએફની 59 બટાલીયને બોર્ડર પીલર નંબર 1149 પાસેથી ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ત્રણ કિલો કરચલા, એક ચાકુ, તરણ માટેની ટ્યુબ અને ટોર્ચ જેવી ચીજ વસ્તુઓ મળી આવી હતી. કોઇ તે સિવાય કોઇ શંકાસ્પદ વસ્તુ કે, હથિયાર મળી આવ્યા ન હતા. એજન્સીઓએ પુછપરછ કર્યા બાદ દયાપર પોલીસને હવાલે કર્યો હતો. દયાપર પોલીસ મથકના ઇન્સ્પેકટર વી.વી.ભોલાએ જણાવ્યું હતું કે, માછીમારી કરવા કચ્છની સરહદની અંદર પ્રવેશી આવ્યો હતો. તેની પાસેથી કોઇ શંકાસ્પદ વસ્તુ નથી. પાકિસ્તાની યુવકની પુછપરછ બાદ જેઆઇસીમાં મોકલી આપવામાં આવશે. ભુતકાળમાં કચ્છની જળસીમાંએ માછીમારીની આડમાં ડ્રગ્સ સહિતના માદક દ્વવ્યો ઘુસેડવા નાપાક તત્વોના કિસ્સા સામે આવી ચુક્યા છે. ત્યારે લાંબા સમય બાદ કચ્છની સરહદમાં 100 મીટર સુધી અંદર પાકિસ્તાની યુવક ઘુસી આવતાં ભારતીય સમા સુરક્ષા દળ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો, જે વિસ્તારમાંથી પાકિસ્તાની યુવક પકડાયો છે. તે વિસ્તારમાં પાણી નહીં પણ કાદવથી ભરેલા ખાડાઓ છે. ત્યારે પકડાયેલો પાકિસ્તાની પગે માછીમારી કરવા અંદર પ્રવેશ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

