લોકભાષા-ભુજ :
પશ્ચિમ ક્ચ્છમા જુદા જુદા બનાવોમાં ત્રણના મૃત્યુ નિપજ્યા હતા ભુજ જેઆઇસીમાં રહેલા બંદીવાનનું બીમારીથી મોત નીપજ્યું હતું જ્યારે ધ્રબમાં ડુંગરમાં સુરંગની અંદર રીલ બનાવતા કિશોરના માથે ભેખડ પડતાં મોત નીપજ્યું અને મુંદરામાં પતંગની ધારદાર દોરીએ બાઇક પર પિતા સાથે જતા એકના એક પુત્રનું મોત નીપજ્યું હતું.
મુંદરા તાલુકાના ધ્રબ ખાતે કાસમવાડીમાં ડુંગરમાં બનેલા સુરંગ અંદર મોબાઇલમાં રીલ બનાવતા કિશોર પર માટીનું ભેખડ પડતાં દબાઇ જવાથી મોત નીપજ્યું હતું. તો, ભુજ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં 2011થી રીસ્ટ્રીકશનમાં રાખવામાં આવેલા માનસિક અસ્થિર શ્રીલંકન વૃધ્ધનું બીમારીના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે મુંદરાના બારોઇ રોડ પર મકરસંક્રાંતિના દિવસે પિતા સાથે બાઇક પર જઇ રહેલા ત્રણ વર્ષના બાળકનું પતંગની ધારદાર દોરીથી ગળું કપાઇ જતાં સારવાર કારગત થાય તે પહેલા જીવનદીપ બુઝાઇ ગયો હતો.
મુળ બીહાર રાજ્યના નીખરપુર ગામના અને હાલ મુંદરાના ધ્રબ ખાતે સ્કેપ કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતા અજય વિનય પાસવાનનો 15 વર્ષનો પુત્ર ગૌતમકુમાર અને તેનો મિત્ર બન્ને જણાઓ બુધવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ઘરની પાછળ આવેલા ડુંગરમાં બનેલા સુરંગ નીચે જઇને મોબાઇલમાં રીલ બનાવી રહ્યા હતા. ત્યારે અકસ્માતે માટીનું ભેખડ ધસીને પડતાં મિત્ર બહાર નીકળી ગયો હતો. જ્યારે માટી નીચે દબાઇ જવાથી ગૌતમકુમારનું મોત નીપજ્યું હતું. મુંદરા પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી આગળની કાર્યવાહી કરી હતી. જ્યારે ગત 2009 દરમિયાન નારાયણસરોવર વિસ્તારમાંથી પકડાયેલા શ્રીલંકાના કોલંબો જિલ્લાના રામલીંગમ સુબન એરલાંડી (ઉ.વ.69) નામના વ્યક્તિને તપાસ બાદ 2011થી ભુજની જેઆઇસીમાં રીસ્ટ્રીકશનમાં મુકવામાં આવ્યો હતો. જે માનસિક અસ્થિર હોઇ તેને અશક્તિ હોઇ બીમારીની સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર બાદ જેઆઇસીમાં પરત લઇ જવાયો હતો. જ્યાં બુધવારે વધુ તબીયત લથડતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કરતાં ભુજ બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. તો, મુળ પાલનપુરના અને હાલે મુંદરા શાંતિનાથ પાર્કમાં રહેતા અને અદાણી સોલાર પ્લાંટમાં નોકરી કરતા હાર્દિકભાઇ સુરેશભાઇ રાયચા (સોની) મંગળવારે મકરસંક્રાંતિના દિવસે સવારના 12 વાગ્યાના અરસામાં તેમના ત્રણ વર્ષના પુત્ર યુગને લઇને બાઇકથી નીકળ્યા હતા. ત્યારે પતંગની દોરી પુત્રના ગળા પરથી ફરી વળતાં ગંભીર ઇજાઓને કારણે પુત્ર યુગનું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી દંપતિ પર આભ ફાટી પડ્યું હતું. બનાવ અંગે મુંદરા પોલીસે એડી દાખલ કરી ન હતી. પરંતુ હતભાગી બાળકના પીએમની કાર્યવાહી કરી હોવાનું મુંદરા પોલીસે જણાવ્યું હતું.

