લોકભાષા-ભુજ :
ભુજના અલગ અલગ બે વિસ્તારમાં હુમલાના બનાવો બન્યા હતા. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલ પાસે નાળિયરનો ધંધો કરતા યુવક પાસે ગ્રાહક બનીને છકડામાં આવેલા માધાપરના બે શખ્સોએ છરીથી હુમલો કરીને રૂપિયા 30 હજારની લૂંટ કરીને પલાયન થઇ ગયા હતા. જ્યારે ભુજના જ્યુબીલી સર્કલ નજીક થાર ગાડીમાં આવેલા ચાર શખ્સોએ બે યુવક પર ધારિયા, છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. એ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી.
ભુજના રામકૃષ્ણ કોલોનીમાં રહેતા અને જિલ્લા ઉદ્યોગ સર્કલ પાસે નાળિયર વેચવાનો ધંધો કરતા કિશનપુરી અરવિંદપુરી ગોસ્વામીએ બી ડિવિઝન પોલીસ મથકે માધાપરના દિનેશ મહેશ્વરી અને ધીરજ નામના બે શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. બનાવ શુક્રવારે રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી નાળિયરનો ધંધો કરતો હતો. ત્યારે આરોપીઓ છકડામાં આવ્યા હતા. અને મલાઇ વાળા નાળિયરની માંગણી કરી હતી. ફરિયાદી પાસે ન હોવાથી આરોપીઓએ ગાળા ગાળી કરીને ફરિયાદી પર છરીથી હુમલો કર્યો હ તો. ફરિયાદી સાઇડમાં ખસી ગયો હતો. ત્યાર બાદ બન્ને આરોપીઓએ ફરિયાદીની લારીમાં દિવસ ભરના વકરાના રૂપિયા 5 હજાર અને લારીના ડ્રોઅરમાં પડેલા પાકિટમાંથી રૂપિયા 25 હજારની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. બી ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ કરી છે. તો, બીજો બનાવ શુક્રવારે રાત્રીના સવા અગ્યાર વાગ્યાના અરસામાં જ્યુબીલી ગ્રાઉન્ડની સામે ટી પોઇન્ટ નામની દુકાન પાસે બન્યો હતો. કેમ્પ એરિયામાં સુર્યનગર સોસાયટીમાં રહેતા અને વાહન લે-વેચનો વ્યવસાય કરતા હરપાલસિંહ બળવંતસિંહ સોઢાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અને તેમની સાથે તેમના કાકાઇ ભાઇ યોગેન્દ્રસિંહ સોઢા, અક્ષભાઇ પરદેશી, વિક્રમસિંહ જાડેજા, કરણભાઇ ભુવા સાથે જ્યુબીલી ગ્રાઉન્ડમાં ક્રિકેટ જોતા હતા.ત્યારે આરોપી અક્ષરાજસિંહ વાઘેલાનો ફોન યોગેન્દ્રસિંહને આવ્યો હતો. તે બન્ને વચ્ચે છ મહિના પહેલા બજાજ ફાયનાન્સના રૂપિયા બાબતે તકરાર હોઇ અક્ષરાજસિંહે યોગેન્દ્રસિંહને ટી પોઇન્ટ પાસે બોલાવ્યો હતો. જેથી ફરિયાદી અને તેમના કાકાઇ ભાઇ ટી પોઇન્ટ પર ગયા ત્યારે થાર ગાડીમાં આરોપી અક્ષરાસિંહ વાઘેલા, ભાવેશ ગોસ્વામી, જુવાનસિંહ સોઢા, સત્યરાજસિંહ વાઘેલા સહિત ચાર વ્યક્તિઓ થાર ગાડીમાંથી ઉતરીને યોગેન્દ્રસિંહ સાથે મારા મારી કરીને ધારિયાથી હુમલો કરવા જતાં ફરિયાદીને હાથમાં ધારિયાનો ઘા વાગ્યો હતો. ત્યાર બાદ ભાવેશ ગોસ્વામીએ છરી કાઢીને યોગેન્દ્રસિંહને પાંસડીના ભાગે બેથી ત્રણ ઘા મારીને જીવલેણ હુમલો કરીને નાસી ગયા હતા. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.

