લોકભાષા-ભુજ :
માંડવી તાલુકાના બીદડા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતાએ વેવાણ સહિત ત્રણ સ્ત્રીઓએ ધોકાથી માર મારીને ગંભીર ઇજા પહોંચાડતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોડાય પોલીસ મથકમાં આરોપણો સામે ફરિયાદ નોંધાવાઇ હતી.
બીદડા ગામે રહેતા દિનેશભાઇ લધાભાઇ સંઘાર (ઉ.વ.46)એ કોડાય પોલીસ મથકમાં બીદડા ગામે રહેતા રાજબાઇ વિરમભાઇ સાકરીયા, જાનબાઇ બુધીયા, સોનબાઇ નામની ત્રણ મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ ગુરૂવારે સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં ગામના જુના બસ સ્ટેશન પાસે બન્યો હતો. ફરિયાદીના પિતા પાનની દુકાનની આગળ બાંકડા પર બેઠા હતા. ત્યારે રાજબાઇ વિરમભાઇ સાકરીયા સહિત ત્રણ સ્ત્રીઓ કારથી આવી હતી. અને ફરિયાદીના ભાઇ રાજેશ ઉર્ફે બોબીએ આરોપણ રાજબાઇની દિકરી હેત્વી સાથે દોઢ માસ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હોઇ જેનું મનદુ:ખ રાખીને તારો દિકરો મારી દિકરીને ભગાડી ગયો છે. હુ તને જીવતો મારી નાખીશ કહીને ત્રણેય સ્ત્રીઓએ ફરિયાદીના પિતાને ધોકાથી ફટકારીને જમીન પર પાડી દઇને પેન્ટ ઉતારી નાખી હતી. ઘાયલના પુત્રોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ માંડવી સરકારી હોસ્પિટલ ત્યાંથી વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. કોડાય પોલીસે ત્રણેય મહિલાઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ કરી છે.

