લોકભાષા-ભુજ :
ભુજ તાલુકાના ગોડપર ગામ નજીક હોટલ પાસે મંગળવારે બપોરે બલેનો કાર અને બાઇક સામ સામે ધડાકાભેર અથડાતાં કાર રોડની સાઇડમાં પલ્ટી મારી ગઇ હતી. અકસ્માતમાં માંડવી તાલુકાના બાયઠ ગામના યુવાનનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યુ હતું. જ્યારે કારમાં સવાર નાના વરનોરાના ચાર યુવકોને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઇ મૃતક અને ઘાયલના પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. માંડવી તાલુકાના બાયઠ ગામે રહેતા સિધિક સતાર માંજોઠી (ઉ.વ.24) નામનો યુવક પોતાની મોટર સાયકલથી ભુજ આવી રહ્યો હતો. ત્યારે ગોડપર નજીક પ્રાઇડરોક નામની હોટલની સામેના રોડ પર ભુજથી આવતી બલેનો કાર સાથે અકસ્માત થયો હતો. જેમાં બાઇક ચાલક રોડ પર ફંગોળાઇ જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત કર્યા પછી કાર રોડની સાઇડમાં પલ્ટી મારી ગઇ હતી. કારમાં સવાર નાના વરનોરાના અબ્દુલ ગફુર મમણ (ઉ.વ.20), સુમામ રમજુ મોખા (ઉ.વ.18), અમઝા અબ્દ્રેમાન મમણ (ઉ.વ.19) અને અબુબખર અબ્દ્રેમાન મમણ (ઉ.વ.16) નામના ચાર યુવકોને ઇજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં જ્યાં હાજર પરના તબીબે બાઇક ચાલક સિધિક સતાર માજોઠીને મૃત જાહેર કર્યો હતો. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇ કાર ચાલક સામે મૃતક યુવકના પરિવારજનોની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.

