લોકભાષા-નલિયા
નલિયા પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અલગ-અલગ કેસમાં જપ્ત કરેલો વિદેશી દારૂનો મુદ્દામાલ નષ્ટ કર્યો છે. બોર્ડર રેન્જ ભુજના આઈજીપી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ-ભુજના એસપી વિકાસ સુંડાની સૂચના મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નખત્રાણા વિભાગના ઇન્ચાર્જ ડીવાયએસપી આર.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.એમ. ઝાલાની ટીમે આ કામગીરી પૂર્ણ કરી હતી. નલિયા પોલીસ સ્ટેશનના છાડુરા ગામની સીમમાં કુલ 302 વ્હિસ્કી બોટલ અને 431 બિયર ટિન નષ્ટ કરવામાં આવ્યા હતા. વ્હિસ્કી બોટલની કિંમત રૂ. 1.32 લાખ અને બિયર ટિનની કિંમત રૂ. 43,100 હતી. આમ, કુલ રૂ. 1.75 લાખનો મુદ્દામાલ નષ્ટ કરાયો હતો.મુદ્દામાલ નષ્ટ કર્યા બાદ બચેલા કાચના ટુકડા અને ખાલી ટિનની જાહેર હરાજી કરવામાં આવી હતી, જેમાંથી રૂ. 150ની રકમ ઉપજી હતી. આ કામગીરીમાં ડીવાયએસપી આર.ડી. જાડેજા સહિત યુએચસી અરુણકુમાર ડાભી, પ્રિયંકાબેન ચૌધરી, વિષ્ણુભાઈ રબારી, ચેતનસિંહ વાઘેલા, પીઆઈ વી.એમ. ઝાલા, મુકેશભાઈ ચૌધરી, વર્ષાબેન ચૌધરી, જીતેન્દ્રસિંહ ડોડિયા અને મનીષ ગઢવી સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
તસ્વીર : જગદીશભાઈ ભાનુશાલી


