લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાની સૂચનાથી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ખૂનની કોશિશના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી હથિયાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ ગત તારીખ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેગઢ ગામની સીમમાં આવેલા ભોજનારી ડેમ પાસે એક માલધારી પરિવાર પોતાના ઘેટા-બકરા સાથે પડાવ નાખીને બેઠો હતો. રાત્રિના સમયે અજાણ્યા આરોપીઓ મોટરસાયકલ પર આવ્યા હતા. આ દરમિયાન ભોગ બનનાર જોગાભાઈ રબારી જાગી જતાં, આરોપીઓએ તેમના પર હથિયાર વડે ફાયરિંગ કરી ગંભીર ઈજા પહોંચાડી હતી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા.
આ અંગે ખોડાભાઈ કાનાભાઈ રબારીની ફરિયાદના આધારે રાપર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯(૧), ૫૪ તથા આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળે કોઈ સીસીટીવી કેમેરા ન હોવા છતાં, એલ.સી.બી. ઇન્સ્પેક્ટર જે.એમ.વાળાના નેતૃત્વમાં અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ હતી. બાતમીદારો અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસને માહિતી મળી કે રાત્રિના સમયે સીમ વિસ્તારમાં શિકાર કરવા નીકળેલા શખ્સોએ આ ગુનાને અંજામ આપ્યો છે.
આ અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી બંને આરોપીઓને મોટરસાયકલ અને હથિયાર સાથે દબોચી લીધા હતા. પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓ જંગલ વિસ્તારમાં શિકાર કરવા આવ્યા હતા, પરંતુ માલધારી લોકો જાગી જતાં તેમણે જાનથી મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કર્યું હતું. આ ગુનામાં આરોપીઓ અહેમદ નઝરમામદ હિંગોરજા (ઉંમર વર્ષ ૨૭, રહે. ઇન્દિરાનગર, આડેસર, તા. રાપર), રીઝવાન સુલેમાન સમેજા (ઉંમર વર્ષ ૨૪, રહે. મસ્જીદવાળા વાસમાં, આડેસર, તા. રાપર)ને ઝડપી લીધા હતા તેમના કબ્જામાથી દેશી હાથ બનાવટની બંદૂક (નંગ-૧, કિંમત રૂ. ૫,૦૦૦) બંદૂક ભરવાનો સરસામાન, ગન પાવડર, ધાતુની ગોળીઓ અને લોખંડના છરા મોબાઈલ ફોન (કિંમત રૂ. ૧૫,૫૦૦) એક મોટરસાયકલ (રજી. નં. જીજે-૩૯-એફ-૯૧૧૦, કિંમત રૂ. ૫૦,૦૦૦) મળી કુલ કુલ રૂપિયા ૭૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે, પકડાયેલા બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.


