લોકભાષા-ગાંધીધામ :
ગણેશ ઉત્સવ દરમિયાન સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળે છે. લોકો ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે વિઘ્નહર્તા દેવની ભારે આસ્થા અને ધામધૂમ પૂર્વક સ્થાપના કરે છે. ભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર ત્રણ, પાંચ, સાત કે દશ દિવસ સુધી બાપાની ભક્તિભાવ પૂર્વક પૂજા-અર્ચના અને આરતી કરે છે. જોકે, ઉત્સવના અંતે વાજતે-ગાજતે ગણેશજીની વિદાય આપીને જ્યારે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે દર વર્ષે એક પીડાદાયક ચિત્ર સામે આવે છે.
ભક્તો દ્વારા નદી, તળાવ કે દરિયાઈ વિસ્તારોમાં ભારે હૈયે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. પરંતુ વિસર્જનના બીજા જ દિવસે જળાશયોના કિનારે જે દ્રશ્યો જોવા મળે છે તે ભક્તો અને પ્રકૃતિપ્રેમીઓ માટે અત્યંત દુઃખદાયક હોય છે. પાણી ઓછું થતાં અથવા મોજાંની સાથે ગણેશજીની ખંડિત મૂર્તિઓ કિનારા પર બિનવારસી હાલતમાં કાદવ-કિચડમાં પડી રહેલી જોવા મળે છે. જે ભગવાનની થોડા કલાકો પહેલાં લાડકોડથી પૂજા થતી હતી, તેમની જ મૂર્તિઓનું આવું અપમાન જોઈને સંવેદનશીલ લોકોના હૃદય દ્રવી ઊઠે છે.
આસ્થા સામે ઊઠતા સવાલોઆ સમગ્ર પરિસ્થિતિ દર વર્ષે એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે: “ખરેખર આ આસ્થા છે?” જે ભગવાનને આપણે વિઘ્નહર્તા માનીએ છીએ, તેમની સ્થાપના પાછળ જો સાચી શ્રદ્ધા હોય, તો વિસર્જન પછી તેમની આ પ્રકારની દુર્દશા કેવી રીતે ચલાવી લેવાય?
પર્યાવરણવિદો અને ચિંતકોનું માનવું છે કે તહેવારો ઉજવવાની પરંપરા સરાહનીય છે, પરંતુ તેનાથી ધાર્મિક ભાવનાઓ દુભાવી ન જોઈએ. પ્લાસ્ટર ઓફ પેરિસ અને કેમિકલ યુક્ત રંગોથી બનેલી મૂર્તિઓ જળચર જીવો અને પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચાડે છે. જો આપણે સાચા અર્થમાં બાપા પ્રત્યે આસ્થા ધરાવતા હોઈએ, તો હવે સમય પાકી ગયો છે કે આપણે માટીની (ઇકો-ફ્રેન્ડલી) મૂર્તિઓ તરફ વળીએ અને ઘર આંગણે જ કુંડા કે ટબમાં વિસર્જન કરીને તે પાણી છોડને અર્પણ કરીએ, જેથી ભક્તિ અને ભગવાન બંનેની મર્યાદા જળવાઈ રહે.


