લોકભાષા-ગાંધીધામ :
દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા તેના કર્મચારીઓ, પેન્શનરો અને તેમના પરિવારોના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગોપાલપુરી (ગાંધીધામ) ના પોર્ટ ટાઉનશીપ સ્થિત ડીપીએ હોસ્પિટલ પરિસરમાં ‘અમૃત ફાર્મસી’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે
આ અદ્યતન સુવિધાનું ઉદ્ઘાટન દિનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંઘના વરદ હસ્તે સંપન્ન થયું હતું. આ નવી સુવિધા શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલની મુલાકાત લેતા દર્દીઓને વધુ સારી, ઝડપી અને વ્યાપક આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. ‘અમૃત ફાર્મસી’ કાર્યરત થવાથી દિનદયાળ પોર્ટ ઓથોરિટીના સેવરત કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનરો, તેમના આશ્રિત પરિવારો તેમજ અન્ય લાભાર્થીઓને હવે હોસ્પિટલ પરિસરની બહાર ગયા વિના જ સરળતાથી તમામ જરૂરી દવાઓ ઉપલબ્ધ બનશે.

આ ફાર્મસીના માધ્યમથી દર્દીઓને વ્યાજબી ભાવે ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહેશે, જેનાથી તેમના સમય અને નાણાં બંનેની બચત થશે. દિનદયાળ પોર્ટ ઓથોરિટી વહીવટીતંત્રના આ લોકહિતના અભિગમથી સ્થાનિક સ્તરે આરોગ્યલક્ષી સેવાઓ વધુ મજબૂત, સક્ષમ અને અનુકૂળ બનશે. ચેરમેન સુશીલ કુમાર સિંઘે આ પ્રસંગે હોસ્પિટલ સ્ટાફ અને લાભાર્થીઓને સંગઠનની આરોગ્ય સેવાઓ સુધારવા માટેની કટિબદ્ધતા દોહરાવી અભિનંદન પાઠવ્યા હતા.


