લોકભાષા-ભુજ :
ગ્લોબલ ટૂરિઝમ ક્ષેત્રે ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જવાના સંકલ્પ સાથે ‘વર્લ્ડ ટૂરિઝમ ડે’ (તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬) ના રોજ ‘GIFT City Club, ગાંધીનગર’ ખાતે ‘Celebrating Gujarat Tourism Year: Timeless Gujarat Countless Experiences’ થીમ હેઠળ એક ભવ્ય રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવવંતા કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (મુખ્ય અતિથિ) અને પ્રવાસન વિભાગના રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત (માનવંતા અતિથિ) ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ રાજ્યકક્ષાના મંચ પર ગુજરાતભરમાંથી પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, ઉદ્યોગ સાહસિકો, હોમસ્ટે ઓનર્સ, ટૂર ગાઇડ્સ તેમજ મોટી સંખ્યામાં સ્ટેકહોલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. મોહન પટેલ તથા કચ્છ યુનિવર્સિટીના પ્રવાસન પ્રવૃત્તિઓના નોડલ ઓફિસર અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા ડૉ. ગૌરવ ડી. ચૌહાણ પણ આ મહાસંમેલનમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત આર્ટીઝન દ્વારા વિવિધ હસ્તકલાના લાઇવ ડેમોન્સ્ટ્રેશન (એક્સપિરિયન્સ ઝોન) તથા “Know Gujarat” ક્વિઝ સ્પર્ધાથી થઈ હતી, ત્યારબાદ દીપ પ્રાગટ્ય, સ્વાગત પ્રવચન, હોસ્પિટાલિટી, MICE અને ઇન્વેસ્ટમેન્ટ પર વિશેષ પેનલ ડિસ્કશન તેમજ હોમસ્ટે ઓનર્સ અને ટૂર ગાઇડ્સની પ્રેરણારૂપ ‘સાફલ્યગાથા’ રજૂ થઈ હતી. ઉત્તરાર્ધમાં માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ ના લોગોનું તથા ગુજરાત ફિલ્મ શૂટિંગ સિંગલ વિન્ડો સિસ્ટમ પૉર્ટલનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને આ અવસરે ગુજરાત રાજ્યના વિવિધ ટૂરિઝમ ચેમ્પિયન્સ (ટૂરિઝમ હીરોઝ) નું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય સમારોહ દરમિયાન પ્રવાસન નિગમ (TCGL) અને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી વચ્ચે કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે કૌશલ્ય, તાલીમ, સંશોધન અને શૈક્ષણિક સહયોગને વધુ મજબૂત બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન, MoU, યુનિવર્સિટીને મળેલા સહયોગ તેમજ ભવિષ્યની રૂપરેખા અને માર્ગદર્શિકા માટે પ્રવાસન નિગમ (TCGL) ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિપિન ગર્ગ (IAS) અને સ્પેશિયલ ડ્યુટી ઓફિસર (OSD) એચ. એમ. સોલંકી (GAS) ની પ્રેરણા અને સવિશેષ માર્ગદર્શન વિશેષરૂપે ફળદાયી નીવડ્યું છે.
પ્રવાસન વિભાગના સચિવ તથા મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના માર્ગદર્શન હેઠળ પ્રવાસન ક્ષેત્રે ડિજિટલ ટૂરિઝમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂરિઝમ જેવા નવા પાસાઓ ટૂંક સમયમાં ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. ગુજરાતની ઓળખને વધુ મજબૂત કરવા માટે પ્રવાસન સર્કિટનું અપડેટેશન અને પ્રવાસનના વિવિધ પાસાઓનો સમાવેશ અત્યંત આવશ્યક છે, જેમાં પ્રવાસનમાં ડિજિટલ અને AI નો સમાવેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુજરાત માત્ર આનંદ માણવા માટે જ નહીં પરંતુ ‘એક્સપિરિયન્સ ગુજરાત’ (અનુભૂતિ) તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં પરંપરા, સંસ્કૃતિ, હસ્તકલા, સ્થાનિક ભોજન અને નવી પેઢી દ્વારા ચાલતી જીવનશૈલી જેવા પ્રવાસનના અનેક પાસાઓનો લાભ મહિલાઓ, યુવાનો, પ્રવાસન સ્ટાર્ટઅપ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે રોજગારી વધારવા માટે મળી રહે છે. ગુજરાતનો ઇતિહાસ અને વારસો ખૂબ જ સમૃદ્ધ છે અને આપણે માત્ર વારસાનું સંરક્ષણ જ કરવાનું નથી પરંતુ આવનારી પેઢીઓ માટે આ વારસાને આગળ ધપાવવાનો છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ સહભાગીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આપણે સૌએ સાથે મળીને ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન ક્ષેત્રનો સામૂહિક અને સહયોગી વિકાસ કરવાનો છે, જેમાં વ્યવસ્થા, સુવિધાઓ, સેવાઓ, હોસ્પિટાલિટી અને પ્રવાસનના તમામ ક્ષેત્રોમાં ગુણવત્તામાં સુધારો, સ્વચ્છતા અને આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું પડશે. આપણું વર્તન, ભાષા, નમ્ર સ્વભાવ, મૃદુભાષી સેવાઓ, આધ્યાત્મિક પ્રવાસન અને દરિયાકાંઠાના પ્રવાસન (કોસ્ટલાઇન ટૂરિઝમ) ક્ષેત્રો પણ આપણા મુખ્ય ફોકસ છે. સરકારે સુવિધાઓ ઊભી કરવાની છે, પરંતુ નાનાથી લઈને મોટા તમામ સર્વિસ પ્રોવાઇડર્સ અને સ્ટેકહોલ્ડર્સે નમ્ર ભાષા, સ્વચ્છતા અને શુદ્ધતા જાળવવા માટે કામ કરવું પડશે. સરકાર ભંડોળ પૂરું પાડશે, પરંતુ તેનો યોગ્ય અને સાર્થક ઉપયોગ કરવાની જવાબદારી પ્રવાસન ક્ષેત્રના લોકો, ટ્રેનર્સ અને તમામ સેવા પ્રદાતાઓની છે અને આપણા આ તમામ પ્રયાસો હૃદયપૂર્વકના હોવા જોઈએ.
આ ઐતિહાસિક ભાગીદારી અંતર્ગત યુનિવર્સિટી અને TCGL સંયુક્તપણે કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે વ્યાપક વિકાસ કાર્યો હાથ ધરશે, જેમાં આગામી સમયમાં યુનિવર્સિટી દ્વારા ૨૦ થી વધુ પ્રવાસન સંબંધિત રેસિડેન્શિયલ કોર્સિસ અને ૨૦ થી વધુ વિશેષ પ્રવાસન જાગૃતિના કાર્યક્રમો (Events) નું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત કચ્છના ૧૫૦ થી વધુ પ્રવાસન સ્થળો (Hotspots) ની ઓળખ, સંરક્ષણ અને બહુભાષી (અંગ્રેજી, હિન્દી, ગુજરાતી) ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન તથા ડિજિટલ પ્લેટફોર્મ અને સાઈનેજ બોર્ડ વિકસાવવાનું કાર્ય પણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે. તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં ‘સેન્ટર ફોર સ્કિલ ડેવલપમેન્ટ’ નામના વિશેષ વિભાગની મંજૂરી આપવામાં આવી છે, જેના દ્વારા બેચલર, માસ્ટર્સ અને ડૉક્ટરલ ડિગ્રી માટે પ્રવાસન અને હોસ્પિટાલિટી સહિતના વિવિધ કૌશલ્યોના ગ્રાન્ટ-ઇન-એઇડ અભ્યાસક્રમો શરૂ થશે. સાથે જ, TCGL ની નવી ટૂરિસ્ટ ગાઇડ લાઇસન્સ પ્રક્રિયાને વેગ આપવા તથા તેને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટી દ્વારા ખૂબ જ જલદી કચ્છમાં ઓછામાં ઓછા ૧૦૦ નવા ટૂરિસ્ટ ગાઇડ્સ માટે વિશેષ તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવશે. આ કરાર થકી સ્થાનિક સમુદાયો, યુવાનો અને હોસ્પિટાલિટી ઉદ્યોગ માટે રોજગારી તથા ઉદ્યોગસાહસિકતાની વિપુલ તકો ઊભી થશે, જે કચ્છને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવશે.
ઉલ્લેખનીય છે કે કચ્છ યુનિવર્સિટી દ્વારા અગાઉ પણ પ્રવાસન જાગૃતિ માટે રાષ્ટ્રીય પરિષદો, વર્કશોપ અને તાલીમ સત્રો સફળતાપૂર્વક યોજવામાં આવ્યા છે. તાજેતરમાં જ TCGL ના આર્થિક સહયોગથી યુનિવર્સિટી ખાતે લાઇસન્સ પ્રાપ્ત પ્રવાસન માર્ગદર્શકો માટે યોજાયેલા ‘રિફ્રેશર ટૂર ગાઇડ ટ્રેનિંગ પ્રોગ્રામ’ માં કચ્છના ૨૩ જેટલા માર્ગદર્શકોએ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી છે. આ સંદર્ભમાં, કાર્યક્રમ દરમિયાન હોમસ્ટે ઓનર તથા ટૂર ગાઇડની પ્રેરણારૂપ સાફલ્યગાથા અંતર્ગત કચ્છના ટૂર ગાઇડ કેતનગીરી ગોસ્વામી વિશે વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કેતનગીરી ગોસ્વામી કે જેઓ ૨૦૧૨ થી કચ્છમાં ટૂર ગાઇડ તરીકે કાર્યરત છે અને કચ્છ યુનિવર્સિટી તથા TCGL દ્વારા ઓગસ્ટ ૨૦૨૬ માં આયોજિત ટૂર ગાઇડ રિફ્રેશર તાલીમ દ્વારા પોતાની કુશળતા વધુ ધારદાર બનાવી રહ્યા છે, તેઓ હાલ સામાન્ય દિવસોમાં દૈનિક અંદાજે ૫ પ્રવાસીઓ અને રણોત્સવની સિઝનમાં રોજ ૫૦ થી વધુ પ્રવાસીઓનું માર્ગદર્શન કરે છે તેમજ ઑફ-સિઝનમાં દૈનિક રૂ. ૨,૫૦૦ અને સિઝનમાં દૈનિક રૂ. ૫,૦૦૦ સુધીની કમાણી મેળવીને આત્મનિર્ભર બન્યા છે.
આ સવિશેષ MoU અને ઐતિહાસિક ભાગીદારીના પરિણામે કચ્છ વિસ્તારના પ્રવાસન ક્ષેત્રને, પ્રવાસનના ઉજ્જવળ ભવિષ્યને તથા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કૌશલ્ય વિકાસ (Skill Development) ના સંકલ્પને અભૂતપૂર્વ ગતિ અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે.


