લોકભાષા-નખત્રાણા :
આશાપુરા ધામ માતાના મઢ તરફ જતાં પદયાત્રીઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે નખત્રાણા પોલીસ એક્શન મોડમાં આવી છે. નખત્રાણા પી.આઈ. એ.એમ. પટેલની આગેવાની હેઠળ પી.એસ.આઈ. બેગડિયા, ટ્રાફિક જમાદાર નિકુલદાન ગઢવી, વિષ્ણુભાઈ માજીરાણા અને સમગ્ર પોલીસ સ્ટાફે આજે સવારથી જ કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. પદયાત્રા દરમિયાન બેફામ સ્પીડે વાહનો ચલાવી સ્ટંટ કરતા અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા તત્વો સામે લાલઆંખ કરીને પોલીસે ૪૦ જેટલા વાહનો ડિટેઇન કર્યા છે અને સ્થળ પર જ રૂ. ૧૫,૦૦૦ જેટલો દંડ વસૂલ કર્યો છે.
નવરાત્રી નિમિત્તે માતાના મઢ તરફ જતા પદયાત્રીઓનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન છેલ્લા બે-ત્રણ દિવસથી બહારથી આવતા કેટલાક વાહનચાલકો ફૂલ સ્પીડમાં, મોડીફાઈડ સાયલેન્સર સાથે ઘોંઘાટ અને પ્રદૂષણ ફેલાવીને પદયાત્રીઓ માટે જોખમ ઊભું કરતા હતા. આ અંગે પોલીસને ફરિયાદો મળતાં જ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પોલીસ કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો.
પોલીસે સવારથી જ હાથ ધરેલી ઝુંબેશમાં ઓવર સ્પીડ, નંબર પ્લેટ વિનાના અને મોડીફાઇડ સાઇલેન્સર વાળા વાહનો જપ્ત કરાયા. લાયસન્સ વગર, પૂરતા કાગળો ન હોય અને સાઇલેન્સર કાઢીને છેલબટાવુ વેડા કરતા ચાલકો સામે પગલાં લેવાયા. નિયમ ભંગ કરનારાઓ પાસેથી રૂ. ૧૫,૦૦૦નો સ્થળ દંડ વસૂલાયો.

શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડી ટ્રાફિક સમસ્યા તેમજ અકસ્માતનું જોખમ ઊભું કરતા આવા તત્વો સામે નખત્રાણા પોલીસે સપાટો બોલાવતા જ લુખ્ખાગીરી કરતા વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, રોડ પર શાંતિપૂર્ણ રીતે જઈ રહેલા પદયાત્રીઓ અને સ્થાનિક લોકોએ પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવી રાહતનો શ્વાસ લીધો છે.
નખત્રાણા પોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, તમામ વાહનચાલકોએ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો હજુ પણ કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે કે પદયાત્રીઓને હેરાન કરશે, તો પોલીસ આગામી દિવસોમાં આનાથી પણ વધુ કડક કાર્યવાહી કરીને વાહનો ડિટેઇન કરશે.


