કેગ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયા સહિતના ભારત સરકાર અને ગુજરાત સરકારના સચિવો અને આઈ.એ.એસ. અધિકારીઓએ ભીમાસર ગ્રામ પંચાયતની કામગીરી નિહાળીને અભિનંદન પાઠવ્યા
લોકભાષા-ગાંધીધામ :
કચ્છ જીલ્લાના અંજાર તાલુકાની ભીમાસર ગ્રામ પંચાયતને અત્યાર સુધી અનેક એવોર્ડ મળી
ચૂકેલ છે અને તાજેતરમાં જ ગુજરાત સરકાર તરફથી સ્માર્ટ વિલેજનો દરજ્જો પણ મળી ચૂકેલ છે. આ તમામ પંચાયતની કામગીરીને ધ્યાનમાં રાખી અને તાજેતરમાં ભારત સરકારના ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા-કેગ ગીરીશચન્દ્ર મુર્મુ દ્વારા રાજકોટ ખાતે ઇન્ટરનેશનલ ટ્રેનીંગ સેન્ટર ઓફ લોકલ બોડીના ઉદ્ઘાટન પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી માત્ર એક ભીમાસર ગ્રામ પંચાયતને પંચાયતી રાજ સંસ્થા તરીકે કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરીનું ૨૦ મિનીટ પ્રેઝન્ટેશન રજુ કરવાનું બહુમાન આપવામાં આવેલ હતું અને ભીમાસર ગ્રામ પંચાયતને મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતું. ગત તા. ૨૬/૦૬/૨૦૨૪ ના રોજ કેગ ઓડીટર ઓફ ઇન્ડિયાની દિલ્હી ટીમની ભીમાસર વિઝીટના અભિપ્રાયો ઉપરથી ભીમાસર ગ્રામ પંચાયતને આ તક મળી હતી.
દેશભરમાંથી માત્ર ૫ પંચાયતોને આ કાર્યક્રમમાં તક આપવામાં આવેલ હતી જેમાં ગુજરાત
રાજ્યમાંથી એકમાત્ર ભીમાસર ગ્રામ પંચાયતને ગૌરવભર્યા સ્થાન સાથે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં તમામ ક્ષેત્રે કરવામાં આવેલ કામગીરીઓનું ૨૦ મિનીટનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેગ ઓફ ઈન્ડિયા અને જમ્મુ-કાશ્મીરના પ્રથમ લેફટીનન્ટ જનરલ ગીરીશચંદ્ર મુર્મુ, ભારત સરકાર પંચાયત વિભાગના સેક્રેટરી વિવેક ભારદ્વાજ, ડેપ્યુટી કેગ ઓફ ઇન્ડિયા, સચિવ બિશ્નોઈ સાહેબ, આઈ.એ.એસ. વિજ્યાનંદન, ગુજરાત સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર, ગુજરાત રાજ્ય કેગ દિનેશ પાટીલ, રાજકોટ મ્યુનીસીપલ કમિશ્નર, રાજકોટ કલેકટર પ્રભવ જોશી, આઈ.જી. અશોક કુમાર, એસ.પી. બ્રિજેશ કુમાર ઝા સહીતના વિવિધ વિભાગોના ઉચ્ચ આઇએએસ. અધિકારીઓ સહીતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ ભીમાસર ગ્રામ પંચાયતની કામગીરી નિહાળીને સરાહના કરી ભીમાસર ગ્રામ પંચાયત ટીમને અને સમસ્ત ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.
ભીમાસર ગ્રામ પંચાયત જે રીતે કામગીરી કરી રહેલ છે અને પંચાયતને કાયદાના અધિકારથી જે સત્તા આપવામાં આવેલ છે જેનો ઉપયોગ કરી ગ્રામ પંચાયત પોતે સ્વનિર્ભર રીતે કામ કરી રહેલ છે અને બીજી ગ્રામ પંચાયતો પણ પ્રેરણા લે તેના માટે થયી ભીમાસર ગ્રામ પંચાયતએ અત્યાર સુધી વિવિધ કામગીરી કરી છે. ભીમાસર ગ્રામ પંચાયત દ્વારા મુખ્યત્વે આવક કરવેરા, બાંધકામ ફીસની કાયદાની જોગવાઈમાં રહી વસુલાત કરવામાં આવે છે અને વર્ષે ત્રણ થી ચાર કરોડ રૂપિયાનું બજેટ મંજુર કરવામાં આવે છે. પંચાયત મુખ્ય છ જાતના વેરાઓ લેવામાં આવે છે જેમાં મિલકત વેરો, પાણી વેરો, સફાઈ વેરો, લાઈટ વેરો, ગટર વેરો, વ્યવસાય વેરો તેમજ જે પણ બાંધકામની મંજુરી લેવા તેમના પાસે બાંધકામની ફીસ વસુલ કરવામાં આવે છે. પંચાયત પાસે અત્યારે જુદી-જુદી કામગીરી માટે ૪૨ થી વધારે કામદારો રાખવામાં આવેલ છે જેને સમયસર નિયમિત વેતન ચુકવવામાં આવે છે. તેમજ દર માસે નિયમિત રીતે પી.જી.વી.સી.એલ. લાઈટ બીલ ભરવામાં આવે છે. ભીમાસર ગ્રામ પંચાયત દ્વારા મોબાઈલ ટાવર ઉપર પણ વેરો લેવાય છે અને તાજેતરમાં વીજ ટાવર ઉપર પણ કરવેરા લેવાની પ્રક્રિયા કરવામાં આવી રહેલ છે.
ભીમાસર ગ્રામ પંચાયત દ્વારા ગામને માટે સુખાકારીના અનેક કામો કરેલ છે. જેમાં મુખ્ય કામ દરેક સમાજને તેમના વિસ્તારમાં પંચાયતના ખર્ચે સમાજભવન બનાવેલ છે. દરેક ઘર સુધી પાકા રોડ, રોડલાઈટ, સફાઈની કામગીરી, પાણી-ગટરની વ્યવસ્થા, કરવામાં આવેલ છે. ગામમાં બે થી ત્રણ જગ્યાએ બગીચાઓ બનાવવામાં આવેલ છે. ઓપન જીમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. લાઈબ્રેરી, તેમજ કોમ્યુટર લેબ જેવા અનેક કામો કરવામાં આવેલ છે. પંચાયતના ઈ-ગ્રામ સેન્ટરમાંથી વીજબીલો સ્વીકારવામાં આવે છે, તમામ પ્રકારના દાખલાઓ, ૭-૧૨ અને તમામ વ્યવસ્થા પંચાયતે કરેલ છે. અને અરજદારો આવે તેને તમામ રીતે વ્યવસ્થા થાય તે માટે દરેક રૂમોમાં એ.સી.ની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. સોલારની વ્યવસ્થા પંચાયતે કરેલ છે. સી.સી.ટી.વી. કેમેરા, ભારત માતા મંદિર, દરરોજ ઘરોઘર કચરા કલેક્શન, અને દરરોજ રસ્તાઓની સફાઈ કરવામાં આવે છે. તેમજ આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે પણ કામગીરી કરવામાં આવી રહેલ છે. પંચાયત દ્વાર બાળકોને કોમ્યુટર શિક્ષણ મળે તે માટે પ્રાઈવેટ શિક્ષકોની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. આ તમામ કામગીરી કરવા માટે નાણાની જરૂરિયાત કરવી પડતી હોય છે તો ગ્રામ પંચાયતની મહેનતથી ૮૦ થી ૯૦ ટકા જેટલી વસુલાત કરવામાં આવી રહેલ છે. ભીમાસર ગ્રામ પંચાયત દ્વારા ગૌચર જમીનના રક્ષણ માટે ૩૦૦ એકર જેટલી ગૌચર જમીનને આર.સી.સી. પિલર બનાવીને માર્કિંગ કરેલ છે. ૪૦ એકરમાં ઘાસ પ્લોટ બનાવેલ છે. ૧૫ એકરમાં ૫૦૦૦ વૃક્ષોનું ફોરેસ્ટ બનાવવામાં આવેલ છે. ૧૦ એકરમાં નવું તળાવ ગૌચર જમીનમાં બનાવવામાં આવ્યું છે
ગ્રામ પંચાયતમાં કર્મચારીઓને રહેવાની સુવિધા મળે તે માટે પંચાયતના ભંડોળમાંથી કર્મચારીઓના ક્વાટરો પણ બનાવેલ છે અને સામાન્ય ભાડું લેવામાં આવે છે તેવી જ રીતે નાના માણસોને રોજગારી મળે તેના માટે ૩૦ થી ૪૦ દુકાનો બનાવવામાં આવેલ છે જે જરૂરિયાતમંદ અને નાના લોકોને વાજબી ભાડાથી આપવામાં આવેલ છે. તેમજ ટૂંક સમયમાં શાકભાજીના ફેરિયાઓ એક જગ્યાએ બેસી ધંધો કરે તેના માટે શાકમાર્કેટ બનાવવાનું આયોજન કરેલ છે. અત્યાર સુધી પંચાયતને ૧૩ થી ૧૪ જેટલા જુદા-જુદા એવોર્ડો પણ મળેલા છે. અને ગ્રામ પંચાયત તમામ ક્ષેત્રે આત્મનિર્ભર પોતાના ભંડોળમાંથી કામો કરી રહેલ છે. અને જેમાં ગ્રામ પંચાયતના તમામ સભ્યો તેમન ગ્રામજનોના સહકારથી ગ્રામ પંચાયત સુંદર કામગીરી કરી રહેલ છે. જેથી દરેક ગ્રામ પંચાયતે તેમને મળેલ અધિકારોનો ઉપયોગ કરી અને લોકોને સુવિધા આપવા માટે કરવેરાની વસુલાત કરી અને નિયમિત રીતે પાણી, ગટરલાઈન, સફાઈ જેવી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. તેવું ભીમાસર ગ્રામ પંચાયતની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


