લોકભાષા-ભુજ :
ભુજથી કારમાં મુંબઇ નકલી નોટના બંડલો લઇને છેતરપીંડી કરવા નીકળેલા ત્રણ તસ્કરોને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભુજના અમનનગર ચોકડી પાસેથી દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 72,500 તેમજ 15 હજારની કિંમતના ત્રણ મોબાઇલ અને પાંચ લાખની કાર અને 500ના દરની ખોટી નોટના પાંચ બંડલ કબ્જે કરી વધુ તપાસ ચલાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમને બાતમી મળી હતી. કે, રેલ્વે સ્ટેશનથી અમનનગર ચોકડી તરફ જતા રોડ પર એક વાદળી કલરની સ્વીફ્ટ કારમાં ત્રણ ઇસમો ભેગા મળીને નકલી રૂપિયાની નોટો લઇને મુંબઇ છેતરપીંડી કરવા જવાના છે. જેથી એલસીબીએ તાત્કાલિક કાર્યવાહી કરીને કારમાં બેઠેલા અલસમ સુલતાન સમા (ઉ.વ.22) રહે માધાપર સોનાપુરી, તથા ખાવડાના લુડીયા ગામના હમીદ સીધીક નોડે (ઉ.વ.24), નવાઝ હાજી જલાલ નોડે (ઉ.વ.23) નામના ત્રણ ચીટરોને ઝડપી પાડ્યા હતા. ચીટરોના કબ્જામાંથી પાંચ લાખની કાર, અસલી ચલણના રૂપિયા 72,500 તેમજ 15 હજારના ત્રણ મોબાઇલ અને 500ના દરની નકલી નોટના પાંચ બંડલો સહિતનો મુદમાલા કબ્જે કરીને આગળની કાર્યવાહી માટે ભુજ બી ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા.


