અમદાવાદ,
રાજ્યની શાળાઓને જ્ઞાન સહાયકો ન મળવાના લીધે શિક્ષણ પર ગંભીર અસર પડી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. યોજનાના અમલીકરણ બાદ હજુ પણ અનેક શાળામાં જ્ઞાન સહાયકો મળ્યા નથી અને બીજી બાજુ પંદર દિવસ બાદ પ્રથમ સત્રાંત કસોટી શરૂ થવાની છે ત્યારે વિદ્યાર્થી પ્રથમ સત્ર શિક્ષક વગર જ ભણી પરીક્ષા આપશે તેવી સ્થિતી સર્જાઈ છે. સંચાલક દ્વારા ખાલી જગ્યા પર લાયકાત અને મેરિટના ધોરણે નિમણુંકની સત્તાની માંગણી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે. જેટલા જ્ઞાન સહાયકોની ફાળવણી કરવામાં આવે છે તેમાંથી ૫૦ ટકા તો હાજર થતા ન હોવાથી તે જગ્યા પણ ખાલી રહે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજના બંધ કરી ગુણવત્તાયુક્ત શિક્ષકો મળી રહે એ હેતુથી ગત વર્ષથી જ્ઞાન સહાયક યોજના લાગુ કરવામાં આવી હતી. જાેકે, આ યોજનાના અમલીકરણમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના બાળકોના ભાવિ સાથે રમત થઈ રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. એક બાજુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને આ જગ્યાઓ પર સમયસર જ્ઞાન સહાયકોની નિમણુંક કરવામાં આવતી નથી. ઉપરાંત જે જગ્યાઓ પર નિમણુંક કરવામાં આવે છે ત્યાં જ્ઞાન સહાયકો હાજર થતાં ન હોવાનું પણ સામે આવ્યું છે. આ સ્થિતીમાં શાળાઓને અન્ય કોઈ વિકલ્પ આપવામાં આવતો ન હોવાથી શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ, હાલની સ્થિતીમાં સ્કૂલોને પૂરતા જ્ઞાન સહાયક મળ્યા નથી અને મળ્યા છે એમાથી ૫૦ ટકા જ્ઞાન સહાયકો હાજર થયા નથી.
શાળાઓને જ્ઞાન સહાયકો ન મળતા બાળકોના શિક્ષણ પર ગંભીર અસર
Related Posts
Add A Comment

