લોકભાષા-ભુજ :
આત્મા પ્રોજેક્ટ, કચ્છ તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા પાંચ ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર એમ કુલ ૧૨૨ ક્લસ્ટરમાં ટેક્નિકલ માસ્ટર ટ્રેનર તરીકે વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક, બ્લોક ટેક્નોલોજી મેનેજર, આસિસ્ટન્ટ ટેક્નોલોજી મેનેજર, ખેતી મદદનીશની નિમણૂક કરી ખેડૂતોને તાલીમ આપવાની કામગીરી ચાલુમાં છે.
હાલમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહ-૨૦૨૪ની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં ૨૪ તાલીમનું આયોજન કરીને અંદાજે ૬૮૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપવામાં આવેલી છે. આ તાલીમમાં ખેડૂતો સ્થાનિક ભાષામાં સરળતાથી પ્રાકૃતિક કૃષિ સમજી શકે અને કોઇ પ્રશ્ન હોય તો તેના સચોટ માર્ગદર્શન માટે ફાર્મર માસ્ટર ટ્રેનરની નિમણૂક કરવામાં આવેલી છે.

પ્રાકૃતિક કૃષિના તાલીમ કાર્યક્રમો પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના મોડલ ફાર્મ, ખેતર, ગ્રામ પંચાયત, સમાજવાડી વગેરે જેવા જાહેર સ્થળ ઉપર ગોઠવવામાં આવે છે. આ તાલીમમાં બીજામૃત, જીવામૃત-ઘનજીવામૃત, વાપ્સા, આચ્છાદન, સહજીવીપાકો, પંચસ્તરીય બાગાયતી મોડલ ફાર્મ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને કોઈપણ પ્રકારના ખર્ચ વિના, બહારથી કોઈ પણ પ્રકારની સામગ્રી ખરીદ્યા વગર થતી આ પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવા વાનસ્પતિક અસ્ત્રો તેમજ પાક સંરક્ષણના આયામો ખેડૂતો જાતે જ બનાવી શકે તે હેતુથી તેના મહત્વ વિશે ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતી ઉપજ રસાયણમુક્ત હોય માનવ સ્વાસ્થ્ય અને પ્રકૃતિને નુકસાનકારક હોતી નથી તેમજ મનુષ્ય રોગમુક્ત રહે છે એ અંગેની સમજણ આપવામાં આવે છે. ગ્રામ્યકક્ષાએ યોજાતી પ્રાકૃતિક કૃષિની આ તાલીમમાં ગ્રામસેવક કે આત્મા યોજનાના સ્ટાફ સાથે સંપર્ક કરી જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો લાભ મેળવે તે માટે પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.


