લોકભાષા-ભુજ :
ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૪- ૨૫માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે.
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી તા.૦૬/૧૧/૨૦૨૪ (લાભપાંચમ) થી તા.૧૫/૦૧/૨૦૨૫ દરમિયાન કરવામાં આવશે. બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 300/- નું બોનસ આપવામાં આવશે.
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭, ૧૨, ૮-અ ની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રીના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરાયો છે.
ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલા ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માંગ્યા મૂજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવી. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે ખેડૂતને જાણ નહીં કરવામાં આવે. નોંધણી બાબતે કોઇ સમસ્યા જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરિક નિગમ લિમિટેડના નાયબ જિલ્લા મેનેજરની અખબારી યાદીમાં જણાવાયું છે.


