લોકભાષા-ભુજ :
નલિયા ગામે રહેતા યુવક સાથે એક્ટિવા અને બુલેટ મોટર સાયકલનો સોદો 2 લાખમાં કરીને વડોદરા જિલ્લાના સાઘલી ગામના શખ્સે રૂપિયા 60 હજાર મેળવી લઇ વાહનોની ડીલીવરી ન કરી છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે.
નલિયા ખાતે રહેતા અને વાહન લે-વેચનો વ્યવસાય કરતા અસગરઅલી અબ્દ્રેમાનશા સૈયદે વડોદરા જિલ્લાના શીનોરના સાઘલી ગામના પરેવેઝ અયુબ નકુમ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. બનાવ ગત 21 ઓક્ટબરથી 24 ઓક્ટોબર દરમિયાન બન્યો હતો. ફરિયાદીના મિત્ર ઇબ્રાહિમ બુટાએ ફરિયાદીને કારવર્ડ નામના એક વોટ્સએપગૃપમાં જોઇન્ટ કરાવ્યો હતો. આ ગૃપના એડમીન આરોપી પરેવેઝ ગૃપમાં વાહનોના ફોટા મુકતો હતો. જેમાં ફરિયાદીને ફોટા જોયા બાદ એક્ટિવા અને બુલેટ મોટર સાયકલ પસંદ પડી જતાં ફરિયાદીએ પરેવેઝ પાસે બે લાખમાં બે વાહનનો સોદો નક્કી કર્યો હતો. બાદમાં પરેવેઝએ એડવાન્સ પેટે બે તબકામાં ફરિયાદી પાસેથી 60 હજાર લીધા હતા. બાદમાં એક્ટિવા અને બુલેટ ટ્રાન્પોર્ટ મારફતે નલિયા પહોંચાડી દેવાનું કહ્યું હતું. અને તેનો માણસ ગાડીમાં સાથે આવી હેન્ડઓવર કરી જશે તેવું જણાવ્યું હતું. પરંતુ ફરિયાદીને વાહનોની ડીલીવરી ન મળતાં આરોપીને ફોન કરતાં આરોપીનો ફોન નંબર બંધ આવતો હોઇ વો્ટસએપ કોલ કર્યો હતો. પણ આરોપીએ ફરિયાદીનો ફોન ઉપાડ્યો ન હતો. જેથી ફરિયાદીને પોતે છેતરાઇ ગયા હોવાનું ભાન થતાં આરોપી વિરૂધ્ધ નલિયા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

