લોકભાષા-ગાંધીધામ :
વરસાણા-હળવદ ૪૦૦ કે.વી. વીજલાઈન અને અન્ય વીજલાઈનોમાં વીજ કંપની દ્વારા નિયમ વિરુદ્ધ અને યોગ્ય વળતર ચૂકવ્યા સિવાય લાઈનો કાઢવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના આગેવાન દ્વારા આ કામગીરીને અટકાવવા રજુઆત કરી છે.
આ અંગે કોંગ્રેસના અગ્રણી વી કે હુંબલ દ્વારા જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે કચ્છ જીલ્લામાં જુદી-જુદી કંપનીઓ દ્વારા વીજ લાઈનો પસાર કરવામાં આવી રહેલ છે જેમાં વીજ લાઈનો પસાર કરતા પહેલા ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટેની યોગ્ય કાર્યવાહી કર્યા સિવાય લાઈનો પસાર કરવા માટે પોલીસ બંદોબસ્ત મેળવી ખેડૂતોને ડરાવી ધમકાવી અને વીજ કંપનીઓ દ્વારા પોતાની રીતે જ મનસ્વી વળતરની રકમ નક્કી કરી ખેડૂતોને દબાવી ધમકાવી અને ટાવર ઉભા કરવાના તેમજ લાઈનો પસાર કરવાના પ્રયાસો કરવામાં આવી રહેલ છે તેવી અનેક ફરિયાદો અમને અનેક ખેડૂતો તરફથી મળેલ છે.
કોઈ પણ કંપની દ્વારા વીજ લાઈન પસાર કરવાની હોય તો પહેલા ખેડૂતને નોટીસ આપવાની હોય છે તેમજ ત્યારબાદ વીજ કંપની તેમજ ખેડૂતો વળતર બાબતે સહમત ના થાય તો કલેકટરના અધ્યક્ષ સ્થાને ખેડૂતો અને વીજ કંપનીઓને સાંભળવામાં આવે અને ત્યારબાદ તેનું વળતર નક્કી કરવામાં આવતું હોય છે અને આ બધી કાર્યવાહી કર્યા પહેલા કોઈ પણ કંપની પોતાની રીતે વીજ લાઈનો પસાર કરી શકે નહિ.
કલેકટર દ્વારા ટાવર તેમજ વાયર માટે જંત્રી અથવા બજાર કિમંત ના જે પણ અત્યારના દર હોય તેને ધ્યાનમાં લઇ અને વળતરની રકમ નક્કી કરવામાં આવતી હોય છે. એટલું જ નહિ, ત્યારપછી જયારે વીજ કંપનીઓ વીજ ટાવર ઉભા કરવા જાય ત્યારે જે ખેતરમાં પાક કે ઝાડ કે મકાન હોય તો લાઈન નાખતા પહેલા મહેસુલ વિભાગના અધિકારીઓ દ્વારા પંચનામું કરી અને પાક નુકસાનીની રકમ પણ નક્કી કરવાની હોય છે. પરંતુ આ વીજ કંપનીઓ દાદાગીરી કરી આવી કોઈ પ્રોસીજર કર્યા સિવાય એક તરફી રીતે લાઈનો નાખવામાં આવે છે જેના કારણે ખેડૂતો અને વીજ કંપનીઓ વચ્ચે ઘર્ષણ પણ થાય છે. આ તમામ બાબતો અટકાવવા માટે વીજ કંપનીઓને તમામ રીતે કાયદાકીય કાર્યવાહી કરી ખેડૂતોને વળતર ચૂકવ્યા બાદ જ લાઈનો ઉભી કરી શકાય તેવો આદેશ કરવા રજુઆત કરી છે.
જ્યાં સુધી કોઈ પણ નિયમ મુજબની કાર્યવાહી ના થાય ત્યાં સુધી કોઈ પણ રીતે પોલીસ બંદોબસ્ત આપી દેવામાં આવે છે. જે પણ યોગ્ય નથી. પોલીસ દ્વારા ખેડૂતોને બદલે વીજ કંપનીઓને મદદરૂપ બની રહ્યા છે અને ખેડૂતોને દબાવી ધમકાવી મનસ્વી રીતે લાઈનો પસાર કરવા માટેનું દબાણ કરવામાં આવી રહેલ છે જે કોઈ પણ રીતે યોગ્ય નથી.
પોલીસ બંદોબસ્તનો હુકમ ત્યારે જ થયી શકે કે જયારે કંપનીએ બધી કાયદેસરની કાર્યવાહી કરેલ હોય અને ત્યારબાદ ખેડૂતો અટકાવે તો જ કલેકટર દ્વારા પોલીસ બંદોબસ્તનો હુકમ કરવામાં આવતો હોય છે પરંતુ અત્યારે કંપનીઓ દ્વારા સીધો બાજુના પોલીસ સ્ટેશનોમાં જઈ અને પોલીસને સાથે રાખી વગર પરવાનગીએ લાઈનો ઉભી કરવામાં પ્રયાસો કરવામાં આવી રહેલ છે.
આ અંગે એસ.પી.ને પણ આ પત્રમાં રજુઆત કરી છે કે જ્યાં સુધી કલેકટરનો લેખિતમાં પોલીસ બંદોબસ્તનો હુકમ ના આવે ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં વીજ કંપનીઓને સીધો પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે જે કાયદાકીય રીતે યોગ્ય નથી. અને વીજ કંપનીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત ડાયરેક્ટ માંગી શકે, કોની સુચનાથી પોલીસ બંદોબસ્ત આપી શકે. જે સમજાતું નથી. જેથી એસ.પી. સાહેબ કચ્છ જીલ્લામાં તમામ પોલીસ સ્ટેશનને સૂચનાઓ આપી અને વીજ કંપનીઓને એક તરફી પોલીસ બંદોબસ્ત ના આપે તેવી રજુઆત કરી છે.
આ પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે અંજાર તાલુકાના ટપ્પરથી હળવદ જતી વરસાણા-હળવદ ૪૦૦ કે.વી. વીજલાઈન ૧૦ વર્ષ પહેલા વીજ ટાવરો ઉભા કરેલ છે જેનું પણ વળતર આજ દિવસ સુધી ચૂકવાયેલ નથી. અને અત્યારે પણ વીજ લાઈનો પસાર કરવા માટે પોલીસ સાથે રાખી પ્રયાસો કરવામાં આવી રહેલ છે. જેથી જ્યાં સુધી ખેડૂતોને પુરતું અને વ્યાજબી વળતર ચૂકવાય નહિ તેમજ જ્યાં સુધી મહેસુલ વિભાગ દ્વારા ખેડૂતોના ખેતરોમાં પાકનું પંચનામું ના થાય ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં વીજ લાઈનો કાઢવા માટે આ કંપનીને પોલીસ બંદોબસ્ત આપવામાં ના આવે. અને તેમ છતાં નિયમ વિરુદ્ધ પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે તો તેની સામે પણ ફરિયાદો કરવામાં આવશે.
વીજ કંપનીઓની અનેક ફરિયાદો બાદ ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા તાજેતરમાં જ નવા પરિપત્રો કાઢી અને ઠરાવ કરવામાં આવેલ છે કે ટ્રાન્સમીશન ટાવર ના જમીનના નુકસાન પેટે ઓછા વળતરની રજૂઆત કે વાંધો રજુ કરવામાં આવે ત્યારે કલેકટર દ્વારા એમના અધ્યક્ષ સ્થાને જીલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ (ડી.એલ.વિ.સી.) દ્વારા કિમંત નક્કી કરવામાં આવશે. તેવો પણ ઠરાવ થયેલ છે. અને કેન્દ્ર ઉર્જા મંત્રાલયે પણ કઈ રીતે વળતર ચુકવવું તેના પણ પરિપત્રો બહાર પાડેલ છે જે તમામ નિયમોનું પાલન કર્યા સિવાય કોઈ પણ વીજ કંપનીઓને પરવાનગી આપવામાં ના આવે તેવી માંગણી છે.
તાજેતરમાં સરકારે પોતે પણ સ્વીકાર્યું છે કે બજાર કિમંતો વધારે છે અને જેનું પ્રાથમિક તબક્કાનું જંત્રીનું લીસ્ટ પણ બહાર પાડ્યું છે ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને વાસ્તવિક કિમંત જે હોય તેને ગણતરી કરી અને તે મુજબનું વળતર ચુકવવામાં આવે તેવી આ પત્રમાં રજુઆત કરી હતી.

