લોકભાષા-ભુજ :
સસ્તામાં સોના આપવા અને એકના ડબલ રૂપિયા આપવાના નીત નવા કિમીયા અજમાવીને ભુજના ચીટરો રાજ્ય અને રાજ્ય બહારના લોકો સાથે છેતરપીંડી આચરતા હોવાના કિસ્સા બહાર આવી ચુક્યા છે. તેવામાં બનાસકાંઠાના ડીસીના સોની વેપારીને 20 ટકા ઓછા ભાવે સોનુ આપવાની લાલચ આપી 5.44 લાખ રૂપિયા પડાવી લઇ સોનુ ન આપી ઠગાઇ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. માનકુવા પોલીસ મથકે ઇસમો સામે ફરિયાદ નોંધાવાઇ છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસાના ટીટોડા રામુન ગામના સોની વેપારી દેવાભાઇ ચેલાભાઇ ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવ મંગળવારના સવારથી બુધવારના રાત્રી દરમિયાન બન્યો હતો. આરોપીઓએ ફરિયાદીને ફોન પર બજાર કિંમત કરતા 20 ટકા ઓછા ભાવે સોનુ આપવાની લાલચ આપી હતી. ફરિયાદી અને તેમના મિત્રને ભુજ સોનુ લેવા બોલાવ્યા હતા. બાદમાં ફરિયાદીને વિશ્વાસમાં લઇ સુખપર રતીયા રોડ પર આવેલા ફાર્મહાઉસમાં કારમાં લઇ જઇને 100 ગ્રામનું સોનાનું બિસ્કીટ બતાવી 6.20 લાખમાં આપવાની વાત કરી હતી. ત્યાર બાદ ફરિયાદીએ 12 લાખ 40 હજારમાં બે બિસ્કીટ ખરીદવાની તૈયારી બતાવીને આંગડીયા મારફતે રૂપિયા મંગાવીને રોકડા તથા સ્કેનરથી આરોપીઓને રૂપિયા 5.44 લાખ આપ્યા હતા. અને બાકીના સાત લાખ પાછળથી આપવાની વાત કરી હતી. આરોપીઓને પોલીસની બીક બતાવીને સોનુ ભચાઉ પાસે આપવાની કહીને ફરિયાદીને કારમાં મોકલી પોતે અન્ય કારમાં પાછળ નીકળ્યા હતા. પરંતુ બાદમાં માર્ગ વચ્ચેથી આરોપીઓ ગાયબ થઇ ગયા હતા. બાદમાં આરોપીઓએ ફરિયાદીને રાજસ્થાન બોર્ડર પાસે જોરાપુરા ગામે આવીને તમારા રૂપિયા લઇ જાવ તેવું ફોન પર જણાવ્યું હતું. ફરિયાદીને પોતે છેતરાયા હોવાનું ભાન થતાં ઈમરાન, સિકંદર અને ત્રણ અજાણ્યા ઇસમો સામે માનકુવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

