લોકભાષા-ભુજ :
ભુજ તાલુકાના સરસપર ગામ નજીક પુલપાટીયા પાસે ગાડીને આડે ટેન્કર રાખી ત્રણ શખ્સોએ નોખાણીયાના યુવાનને ધોકાથી માર મારી ઇજા પહોંચાડતાં મામલો માધાપર પોલીસ મથકે પહોંચ્યો હતો.
ભુજ તાલુકાના નોખાણીયા ગામે રહેતા ભરતભાઇ કાનજીભાઇ વારોત્રા (આહિર) ઉ.વ.27એ કુનરીયા ગામના અરૂણભાઇ છાંગા, મેહુલ ધનજી છાંગા, મિતેશ છાંગા નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી ગુરૂવારે પોતાની ગાડીથી ભુજ આવી રહ્યા હતા. ત્યારે ઢોરી ફાટક બસ સ્ટેશન પાસે અરૂણભાઇ છાંગાએ ફરિયાદીને રોકીને કહ્યું હતું કે, તું સંભાળીને રહેજે અમારી વિરૂધ્ધ ખોટી અરજીઓ કરતો નહીં કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં શુક્રવારે સવારે ફરિયાદી પોતાની ગાડીથી ભુજ આવતા હતા. ત્યારે સરસપર ગામ નજીક પુલપાટીયા બસ સ્ટેશન પાસે ફરિયાદીની ગાડી જોઇને મેહુલ ધનજીભાઇ છાંગાએ પોતાનું ટેન્કર ફરિયાદીની ગાડીને આડે રાખીને ફરિયાદને ગાડીમાંથી ઉતારી મેહુલ અને મિતશ છાંગાએ ફરિયાદીને ધોકાથી માર માર્યો હતો. અને બીજીવાર સામે મળીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માધાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

