લોકભાષા-ભુજ :
મુંદરા બંદરે આયાત થતી સોપારીમાં ડયુટી ચોરી કરી માલ ગોડાઉનમાં ઉતારી ટ્રકમાં ભરી સગેવગે કરવામાં આવતા હોવાની બાતમી આધારે ગોડાઉનમાં રેડ કરી મામલો પતાવવા માટે ૩.૭૫ કરોડની તોડ કરવામાં આવી હતી. જેમાં બોર્ડર રેન્જના ચાર પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા હોવાનું જણાઈ આવતા મામલો ગૃહમંત્રી સુધી પહોંચ્યો હતો. જેમાં એએસઆઈ કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા, રણવીરસિંહ જગદીશસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા અને હેડ કોન્સ્ટેબલ ભરત આશારીયા ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે પૈકી અગાઉ બે આરોપીઓ ઝડપાયા અને હજુ પણ બે પોલીસ કર્મચારી ધરપકડથી નાસતા ફરે છે. મુંદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સોપારી કાંડના લાંચના ગુનામાં ફરાર થયેલા સસ્પેન્ડ પોલીસ કર્મચારી રણવીરસિંહ ઝાલા અને ભરત ગઢવીએ ભુજ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે ગુનામાં તપાસ કરનાર ડીવાયએસપી એસ.એમ. વારોતરીયાએ રજુ કરેલા સોગંદનામા અને સરકારી વકીલ દિનેશ ઠક્કરની દલીલને ધ્યાને લઈ અદાલતે બન્ને પોલીસ કર્મચારીના આગોતરા નામંજૂર કર્યા છે. જેથી બન્નેની ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે.

